ઓસ્ટ્રેલિયાના 19 વર્ષીય સેમ કોન્સ્ટાસે રવિવારે કેનબેરામાં ભારતીય ટીમ સામે જોરદાર સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયન PM XI માટે ઓપનિંગ કરતી વખતે, કોન્સ્ટાસ બીજા છેડેથી સતત પડતી વિકેટોથી પરેશાન ન હતો અને રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. કોન્સ્ટાસે મનુકા ઓવલ ખાતે તેની સદી દરમિયાન 14 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. મુશ્કેલ પ્રથમ 10 ઓવરો પછી, કોન્સ્ટાસે જેક ક્લેટન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 100 થી વધુ રન ઉમેર્યા.
સેમ કોન્સ્ટાસે ફટકારી શાનદાર સદી
ક્લેટોન આઉટ થયા પછી પણ કોન્સ્ટાસે તેના શાનદાર શોટ મારવાનું ચાલુ રાખ્યું. તે મેચની 38મી ઓવરમાં 97 બોલમાં 107 રન બનાવીને આઉટ થયો હતો અને આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 205 રન હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા ડેવિડ વોર્નરની જગ્યાએ કોન્સ્ટાસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાએ સિરીઝની પ્રથમ મેચમાં ઉસ્માન ખ્વાજા સાથે તેના ઓપનિંગ પાર્ટનર તરીકે નાથન મેકસ્વીની પસંદગી કરી હતી.
જોકે, તેણે એડિલેડમાં યોજાનારી બીજી ટેસ્ટ પહેલા પોતાની ક્વોલિટી બધાને બતાવી દીધી છે. તેની શાનદાર સદી બાદ હવે તમામની નજર ઓસ્ટ્રેલિયન પસંદગીકારો પર છે, જેઓ ચોક્કસપણે આ ચેમ્પિયન ઓપનર પર નજર રાખી રહ્યા છે, ખાસ કરીને જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ તેની ઓપનિંગ જોડી સાથે સંઘર્ષ કરી રહી છે.
સેમ કોન્સ્ટાસ કોણ છે?
2 ઑક્ટોબર 2005ના રોજ જન્મેલા, જમણા હાથના કોન્સ્ટાસ એક બેટ્સમેન છે જે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેણે હાલમાં જ તેના શાનદાર ડોમેસ્ટિક ક્રિકેટ પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ અને ન્યૂ સાઉથ વેલ્સ બંને તરફથી રમ્યો છે. ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શેફિલ્ડ શીલ્ડની પ્રથમ મેચમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારીને 19 વર્ષીય કોન્ટાસ પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. તેની ઇનિંગ્સને કારણે તે 1993માં મહાન રિકી પોન્ટિંગ પછી આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો.
કોન્ટાસને ગયા વર્ષે તેનો પહેલો પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ મળ્યો
જુલાઈ 2023માં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં કોન્સ્ટાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે નવેમ્બર 2023માં તાસ્માનિયા સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. કોન્ટાસે ડિસેમ્બર 2023 માં સિડની થંડર સાથે તેના પ્રથમ વ્યાવસાયિક કરાર પર હસ્તાક્ષર કર્યા. કોન્સ્ટાસને તે જ મહિનાના અંતમાં 2024 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. અહીં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારતી વખતે તેણે 121 બોલમાં 108 રન બનાવ્યા હતા.