એવું ભાગ્યે જ બને છે કે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ હારી જાય અને બીજી મેચમાં પણ તેની હાલત સારી ન હોય. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રથમ ટેસ્ટ હારવા છતાં ભારતીય ટીમે આગામી મેચમાં શાનદાર વાપસી કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે. બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટમાં મળેલી ચોંકાવનારી હાર બાદ ટીમ ઈન્ડિયા સામે શ્રેણી બચાવવાનો પડકાર છે અને જે રીતે પુણે ટેસ્ટની શરૂઆત થઈ છે તે સારા સંકેતો નથી આપી રહી. આનાથી તે 7 વર્ષ જૂની ટેસ્ટ મેચની યાદ તાજી થઈ ગઈ, જે આ જ મેદાન પર રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
પુણે ટેસ્ટમાં પહેલા દિવસ શું થયુ ?
સૌથી પહેલા વાત ભારત ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચના પહેલા દિવસની. ગુરુવાર 24 ઓક્ટોબરથી શરૂ થયેલી આ મેચના પહેલા દિવસે ન્યૂઝીલેન્ડ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. કિવી ટીમની શરૂઆત સારી રહી હતી અને ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, વિલ યંગને મળીને ટીમને 200 રનની નજીક પહોંચાડી દીધી હતી. અહીં જ રચિન રવિન્દ્રની વિકેટ પડી પછી જોત જોતા કિવી ટીમ માત્ર 259 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ પછી ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી પરંતુ કેપ્ટન રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો અને ટીમ ઇન્ડિયાએ રમત પુરી થવા સુધી એક વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા હતા.
7 વર્ષ જૂના બનાવ જેવી જ સ્થિતિ !
હવે વાત કરીએ ટીમ ઈન્ડિયા પર જે ખતરો તોળાઈ રહ્યો છે. પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પહેલી મેચ 7 વર્ષ પહેલા 2017મા રમાઇ હતી. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થઇ હતી. જેમાં મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરી હતી અને 9 વિકેટ પર 259 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઈનિંગ્સ આખરે માત્ર 260 રનમાં સમેટાઈ ગઈ, જે ન્યુઝીલેન્ડના સ્કોર કરતા માત્ર 1 રન વધુ છે. આ પછી ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 105 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. યોગાનુયોગ એ ઈનિંગમાં પણ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવનો સ્કોર લગભગ સમાન છે, જ્યારે બંને મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પ્રથમ દાવમાં 0 રને આઉટ થયો હતો. અત્યાર સુધી બધું સરખું હતું, હવે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં કેટલા રન બનાવે છે તેના પર નજર રહેશે.
જો ભારત-ઓસ્ટ્રેલિયા મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ તે મેચ 333 રનના જંગી અંતરથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં લેફ્ટ આર્મ સ્પિનર સ્ટીવ ઓ'કીફ સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યા હતા. તેણે બંને ઇનિંગ્સમાં 6-6 વિકેટ લીધી હતી. હવે જો ન્યુઝીલેન્ડની વાત કરીએ તો આ ટીમમાં મિશેલ સેન્ટનર અને એજાઝ પટેલના રૂપમાં 2 લેફ્ટ આર્મ સ્પિનરો પણ છે. આ બંનેએ પ્રથમ દિવસના અંતે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને પરેશાન કર્યા હતા.
શું 12 વર્ષ પછી પ્રભુત્વ તૂટશે ?
આનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ દિવસના સંકેત સારા નથી. હવે જો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન 7 વર્ષ જૂની ટેસ્ટ જેવું રહ્યું તો ન્યૂઝીલેન્ડ આ મેચ પણ જીતી જશે અને પછી કંઈક એવું થશે જે છેલ્લા 12 વર્ષમાં નથી થયું. લગભગ 12 વર્ષ પછી કોઈ ટીમ ભારત આવીને ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ થશે. જે છેલ્લે 2012માં ઈંગ્લેન્ડ દ્વારા કરવામાં આવી હતી. મતલબ કે હવે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પર પહેલી ઈનિંગમાં જ મોટો સ્કોર બનાવવાની મોટી જવાબદારી છે પહેલી પારીમાં મોટો સ્કોર કરે કારણ કે પીચ પહેલા દિવસથી જ ટર્ન થઇ રહી છે અને છેલ્લી ઇનિંગમાં ભારતે જ બેટિંગ કરવાની છે.