• ધર્મશાળામાં ટેસ્ટમાં અશ્વિને ખાસ સિદ્ધિ હાંસલ કરી
  • અશ્વિન સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર ભારતીય બોલર
  • ધર્મશાળા ટેસ્ટમાં 9 વિકેટ લઈ મુરલીધરનની બરાબરી કરી

ધર્મશાળામાં પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા આર અશ્વિને ઈંગ્લેન્ડ સામે શાનદાર સિદ્ધિ મેળવી છે. અશ્વિને ઈંગ્લિશ ટીમ સામે બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે 100મી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ઓછામાં ઓછી 4-4 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ ખેલાડી 100મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.

100મી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 100મી ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને ધર્મશાળા ટેસ્ટમાં 9 વિકેટ લઈને તેની બરાબરી કરી લીધી છે. ધર્મશાળા ટેસ્ટમાં આર અશ્વિને પ્રથમ દાવમાં બેન ફોક્સ, ટોમ હાર્ટલી, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસનને આઉટ કર્યા હતા. બીજી ઇનિંગમાં તેણે અત્યાર સુધી બેન ડકેટ, જેક ક્રાઉલી, ઓલી પોપ, બેન સ્ટોક્સ અને બેન ફોક્સને આઉટ કર્યા છે.

પ્રથમ ભારતીય બોલર

અશ્વિને બીજી ઈનિંગમાં ફરી એકવાર પોતાનો પંજો ખોલ્યો અને તે ભારતનો એવો બોલર પણ બની ગયો છે જેણે એક ઈનિંગમાં સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપી હોય. તેણે આ મામલે પૂર્વ દિગ્ગજ અનિલ કુંબલેને પાછળ છોડ્યા છે. કુંબલે ભારત માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ 35 વખત 5 વિકેટ ઝડપી હતી અને આ અશ્વિનની 36મી 5 વિકેટ છે. જ્યારે ત્રીજા નંબર પર હરભજન સિંહ છે. જેણે 103 ટેસ્ટમાં 25 વખત 5 વિકેટ ઝડપી છે.

મેચની સ્થિતિ

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સ્કોર સામે ભારતે તેના પ્રથમ દાવમાં 477 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ મહેમાનોની ઉપર 259 રનની લીડ મેળવી હતી. ભારત ધર્મશાલા ટેસ્ટ જીતવાથી 4 વિકેટ દૂર છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 3-1થી આગળ છે.


  • Follow us on: