- રચિન અને મિચેલે ત્રીજી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી
- વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ માટે કોઇપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી
- રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલે રવિવારે ભારત સામે શાનદાર બેટિંગ કરી હતી
ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલે રવિવારે ભારત સામે શાનદાર બેટિંગ કરી હતી. આ બન્નેએ ધરમશાળામાં ત્યારે મોરચો સંભાળ્યો હતો કે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 19 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. રચિન અને મિચેલે ત્રીજી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ માટે કોઇપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી કરનારી જોડી બની ગઇ છે. આ ખેલાડીઓએ ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને કૃષ્ણામાચારી શ્રીકાંતનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નોંધનીય છે કે ગાવસ્કર અને શ્રીકાંતે 1987ના વિશ્વ કપમાં નાગપુરના મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે 129 રનની અણનમ ભાગીદારી કરી હતી. ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન અને ગ્રેટ બેટ્સમેન સચિન તેંડુલકરે 1992ના વિશ્વ કપમાં ડુનેડિનમાં 127 રનની ભાગીદારી કરી હતી. દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ 2019ના વિશ્વ કપમાં માન્ચેસ્ટર ગ્રાઉન્ડ પર 116 રનની ભાગીદારી કરી હતી. તે પછીના ક્રમે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોન રાઇટ અને બ્રુસ એડગરે 1979ના વિશ્વ કપમાં ભારત સામે લીડ્ઝના મેદાન પર 100 રન કર્યા હતાં.










