- ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની ચમકતી ટ્રોફી પોતાના નામે કરી
- દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટના આ ફોર્મેટને અલવિદા કહી દીધુ
- રોહિતે ફોન કરીને રાહુલ દ્રવિડને કાર્યકાળ લંબાવવા મનાવ્યા
ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની ચમકતી ટ્રોફી કબજે કરી લીધી છે. ભારતે અજેય રહીને આ ટ્રોફી જીતી છે. આ ટ્રોફી જીતવી ટીમના કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા માટે સપનું હતું. આ સપનું પૂરું થતાં જ આ દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટના આ ફોર્મેટને અલવિદા કહી દીધું. હવે નવા ખેલાડીઓ પાસે 2026માં આ ખિતાબ બચાવવા માટે લડત આપવાનો પડકાર હશે. આ ખેલાડીઓની સાથે અન્ય એક વ્યક્તિનું સપનું પૂરું થયું છે અને તે વ્યક્તિ છે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ.
ટ્રોફી લીધા બાદ દ્રવિડે શાનદાર ઉજવણી કરી
ટીમ ઈન્ડિયાના બોલર હાર્દિક પંડ્યાએ મેચનો છેલ્લો બોલ ફેંકતા જ બધાની નજર તે બોલ પર ટકેલી હતી. આ બોલ પર એક રન નોંધાયો હતો પરંતુ આ બોલ બાદ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. જીત મળતાની સાથે જ કોચ રાહુલ દ્રવિડને સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા હતા. હંમેશા શાંત રહેતા કોચ રાહુલ દ્રવિડ જોરથી બૂમો પાડતા કૂદી પડ્યા હતા. આ ક્ષણ દરેક કોચ માટે ઘણી ખાસ હોય છે પરંતુ રાહુલ દ્રવિડ માટે આ ક્ષણ તેનાથી પણ ખાસ હતી. આ પહેલા રાહુલ દ્રવિડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડકપમાં ટીમની અંતિમ મેચોમાં હારનો ઘા વહન કરી રહ્યો હતો. આ વિજયે તેના ઘાને રૂઝવવાનું કામ કર્યું.
વર્લ્ડકપમાં હાર બાદ દ્રવિડ ભાંગી પડ્યો
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ ગયા વર્ષે ODI વર્લ્ડકપમાં પણ ટીમની આગેવાની કરી રહ્યા હતા. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. અહીં ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતને હરાવીને ODI ટ્રોફી પર કબજો કર્યો હતો. આ હાર બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ ભારતીય ખેલાડીઓની આંખમાં આંસુ હતા. આ સાથે જ ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ રડી પડ્યા હતા.
દ્રવિડે આ નિર્ણય બદલ્યો હતો
ટીમની હાર બાદ રાહુલ દ્રવિડનું દિલ તૂટી ગયું હતું. ભારત વનડે વર્લ્ડકપમાં અજેય રહીને ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને કારમી હાર આપી હતી. કોચ તરીકે રાહુલ દ્રવિડની આ છેલ્લી મેચ હતી. આ મેચ બાદ તેનો કરાર સમાપ્ત થઈ રહ્યો હતો. રાહુલ દ્રવિડે નક્કી કર્યું કે તે કોન્ટ્રાક્ટ લંબાવશે નહીં.
રોહિતના કોલને કારણે નિર્ણય બદલાયો
જ્યારે રાહુલ દ્રવિડે પોતાનો કોન્ટ્રાક્ટ ન વધારવાનો નિર્ણય કર્યો ત્યારે રોહિત શર્મા સૌથી વધુ નિરાશ થયો હતો. રોહિત શર્માએ ફોન કરીને રાહુલ દ્રવિડને આ T20 વર્લ્ડકપ સુધી ટીમ સાથે જોડાયેલા રહેવા માટે સમજાવ્યા. રોહિત શર્માએ કોચ રાહુલ દ્રવિડને અનુરોધ કર્યો હતો કે આપણે T20 વર્લ્ડકપ સુધી ICC ટાઈટલ જીતવા માટે એક છેલ્લો પ્રયાસ કરવો જોઈએ. રાહુલ દ્રવિડ આ મામલે ટીમ સાથે રહેવા માટે રાજી થઈ ગયો અને હવે તેને મોટી સફળતા મળી.
કોચે કેપ્ટનનો આભાર વ્યક્ત કર્યો
બીસીસીઆઈએ તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કોચ રાહુલ દ્રવિડ તે ફોન કોલને યાદ કરીને કેપ્ટન રોહિત શર્માનો આભાર વ્યક્ત કરે છે. રાહુલ દ્રવિડે વીડિયોમાં કહ્યું કે મારી પાસે શબ્દો નથી. મને આ ઉજવણીનો ભાગ બનાવવા બદલ આપ સૌનો આભાર. આ ક્ષણ ક્યારેય ભૂલી શકતો નથી. આપણે કદાચ ભૂલી જઈએ છીએ કે આપણે કેટલા રન બનાવીએ છીએ, કેટલી વિકેટો લઈએ છીએ, પરંતુ આ ક્ષણો કોઈ ક્યારેય ભૂલી શકતું નથી.
આખા દેશને તમારા પર ગર્વ છે. તમે જે કર્યું છે અને જે લોકોએ તમને અહીં સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું છે તે અતુલનીય છે. જ્યારે તમે ઘરે જાઓ, ત્યારે દરેકનો આભાર માનો. તમારા પરિવાર, પત્ની, બાળકો, કોચ અને ભાઈનો આભારી બનો. તેમના કારણે જ તમે અહીં છો. તમારા બધા સાથે કામ કરવું એ એક વિશેષાધિકાર અને આનંદની વાત છે.
વર્લ્ડકપમાં 90 ટકા પરિણામ
રાહુલ દ્રવિડ 2023 વર્લ્ડકપ અને ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ સાથે કોચ તરીકે જોડાયેલા રહ્યા. આમાં ભારતે કુલ 20 મેચ રમી છે જેમાંથી ભારતે 18 મેચ જીતી છે. ભારત માત્ર એક જ મેચ હારી ગયું છે, જે ODI વર્લ્ડકપની અંતિમ મેચ છે. જ્યારે 1 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ટીમે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમી હતી.