- ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત
- દ્રવિડનો કાર્યકાળ ચાલુ રહે છે કે નહીં તેના પર ચાહકોની નજર
- NCA ચીફ VVS લક્ષ્મણને આ જવાબદારી સોંપવાનો વિચાર
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાનું ત્રીજી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વર્લ્ડ કપ પૂરો થતાની સાથે જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હવે દ્રવિડનો કાર્યકાળ ચાલુ રહે છે કે નહીં તેના પર ચાહકોની નજર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દ્રવિડ હવે ટીમ ઈન્ડિયાને અલવિદા કહી શકે છે.
આ અનુભવી ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ!
તો બીજી તરફ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને NCA ચીફ VVS લક્ષ્મણને આ જવાબદારી સોંપવાનું વિચારી રહ્યું છે. બીસીસીઆઈના ટોચના અધિકારીઓ અને રાહુલ દ્રવિડ વચ્ચે મુખ્ય કોચના મુદ્દે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. જ્યારે પણ દ્રવિડે બ્રેક લીધો ત્યારે વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળતા હતા. 49 વર્ષીય લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન T20 શ્રેણીમાં પણ મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યો છે.
BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, 'રાહુલ અને BCCIએ વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અમે તેમના નિર્ણયનું સન્માન કરીશું. બધાને લાગે છે કે T20 વર્લ્ડ કપ સાત-આઠ મહિનામાં યોજાવા જઈ રહ્યો છે તેથી નવા કોચ આવવા અને ટીમ બનાવવામાં અને પ્રક્રિયા નક્કી કરવામાં સમય લાગશે. દ્રવિડ આ વાતથી સંપૂર્ણપણે વાકેફ છે.
છેલ્લા બે વર્ષમાં દ્રવિડે કેપ્ટન રોહિત સાથે જે રીતે કામ કર્યું છે તેનાથી બોર્ડ ખૂબ જ ખુશ છે તેમ છતાં તેઓ આઈસીસીની કોઈ ટ્રોફી જીતી શક્યા નથી. અધિકારીએ કહ્યું હતું કે, 'મુખ્ય કોચ માટે વિકલ્પો ખુલ્લા છે. તે (લક્ષ્મણ) ટીમ ખેલાડીઓ અને તાલીમ પદ્ધતિઓથી પરિચિત છે. તેની પાસે રાષ્ટ્રીય ટીમ સાથે કામ કરવાનો અનુભવ પણ છે.
VVS લક્ષ્મણ અને સૂર્યકુમાર યાદવ 22 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ વિરૂદ્ધ T20I માટે ભારતીય ટીમનો હવાલો સંભાળશે.
BCCI તમામ પાસાઓ પર સંપૂર્ણ વિચારણા કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેશે. અધિકારીએ કહ્યું, 'અમે એ પણ ચર્ચા કરી રહ્યા છીએ કે વર્તમાન કોચ અને કેપ્ટનના સંયોજનની ટી-20 વર્લ્ડ કપમાં જરૂર પડશે કે નહીં. અમે ટૂંક સમયમાં નિર્ણય પર પહોંચવાની આશા રાખીએ છીએ જેથી વસ્તુઓ વધુ સ્પષ્ટ થાય.
IPLની આ બે ટીમોએ દ્રવિડને ઓફર કરી
રાહુલ દ્રવિડ આઇપીએલ ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) સાથે કથિત રીતે વાતચીત કરી રહ્યો છે. જો વસ્તુઓ સારી રીતે ચાલે છે, તો IPL 2024 પહેલા દ્રવિડ LSGનો મેન્ટર બની શકે છે. બીજી તરફ, 2008ની IPL ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR) પણ રાહુલ દ્રવિડને પોતાની સાથે સામેલ કરવા માંગે છે. રાજસ્થાન રોયલ્સ પણ ઇચ્છે છે કે તે ટીમનો મેન્ટર બને. દ્રવિડ અગાઉ પણ IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે ખેલાડી અને કોચ બંનેની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દ્રવિડે ભારત-A અને NCA સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે.
50 વર્ષીય દ્રવિડ 2021માં T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો હતો. દ્રવિડના બે વર્ષના કોચિંગ કાર્યકાળ દરમિયાન ભારત એકપણ ICC ટ્રોફી જીતી શક્યું નથી પરંતુ દ્વિપક્ષીય મેચોમાં ટીમનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ભારત અત્યારે ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ટીમ છે. દ્રવિડના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીતી અને ફાઇનલમાં પહોંચી જ્યાં તેને ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.