- ભારત પાંચ વિકેટે 326, રોહિત 131, જાડેજા 110*, સરફરાઝ 62, વૂડ 3/69
- રાજકોટમાં જાડેજાની આ બીજી સદી છે
- ભારતએ પ્રથમ દિવસની રમતના અંતે 86 ઓવરમાં પાંચ વિકેટે 326 રન બનાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી
સુકાની રોહિત શર્મા (131) અને રવીન્દ્ર જાડેજાએ આકર્ષક સદી નોંધાવવા ઉપરાંત ચોથી વિકેટ માટે 200 પ્લસની ભાગીદારી નોંધાવતા ભારતે એક સમયે આવી પડેલા સંકટને દૂર કરીને ઇંગ્લેન્ડ સામે રમાતી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે 86 ઓવરમાં પાંચ વિકેટે 326 રન બનાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. સ્ટમ્પના સમયે રવીન્દ્ર જાડેજા 212 બોલમાં નવ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 110 તથા કુલદીપ યાદવ એક રન બનાવીને રમી રહ્યા હતા. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે પેસ બોલર માર્ક વૂડે 69 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.રાજકોટમાં જાડેજાની આ બીજી સદી છે. આ પહેલાં તેણે 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામે અણનમ 100 રનની ઇનિંગ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની ઓવરઓલ ચોથી સદી છે.
પ્રથમ સેશન ઇંગ્લેન્ડના નામે રહ્યું હતું. માર્ક વૂડે ઘાતક સ્પેલ નાખીને ઓપનર યશસ્વી જયસ્વાલ (10), શુભમન ગિલને (0) તથા હાર્ટલીએ રજય પાટીદારને (5) આઉટ કરતાં ભારતે 33 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રોહિત અને જાડેજાએ ધીમે ધીમે ઇનિંગને સ્થિરતા આપીને ચોથી વિકેટ માટે 329 બોલમાં 204 રનની ભાગીદારી નોંધાવી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં સરફરાઝે આક્રમક સ્ટાઇલમાં બેટિંગ કરીને રનઆઉટ થતાં પહેલાં 66 બોલમાં નવ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 62 રન બનાવ્યા હતા.










