RCBના 11 કરોડના બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં જોરદાર ધૂમ મચાવી છે. મધ્યપ્રદેશની કેપ્ટનશીપ કરી રહેલા રજત પાટીદારે તોફાની શૈલીમાં બેટિંગ કરી અને માત્ર 29 બોલમાં 66 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન રજતે 227ના સ્ટ્રાઈક રેટ સાથે તબાહી મચાવી હતી. રજતની ઇનિંગના આધારે મધ્યપ્રદેશે દિલ્હીને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રજતે તેની ઇનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને છ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.


રજત પાટીદારે મચાવી ધમાલ

દિલ્હી તરફથી મળેલા 147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મધ્યપ્રદેશની શરૂઆત સારી રહી ન હતી. અર્પિત ગૌર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ટીમે 47 રનના સ્કોર સુધી પહોંચતા પહેલા જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન રજત પાટીદારે ચાર્જ સંભાળ્યો. રજતે આક્રમક બેટિંગ કરી અને દિલ્હીના બોલરોને આડે હાથ લીધા. રજતે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. 29 બોલનો સામનો કરીને રજતે 66 રનની જોરદાર ઇનિંગ રમી અને તે ટીમને જીત અપાવીને પાછો ફર્યો. પોતાની ઇનિંગ દરમિયાન રજતે 4 ચોગ્ગા અને છ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. 227ના સ્ટ્રાઈક રેટથી રમતા રજતે પોતાની વિસ્ફોટક બેટિંગથી મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી હતી.


મધ્યપ્રદેશને મળી ફાઈનલ ટિકિટ

સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં મધ્યપ્રદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોલરોએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને દિલ્હીને માત્ર 146 રનમાં જ રોકી દીધું. દિલ્હી માટે સૌથી વધુ 33 રન અનુજ રાવતના બેટમાંથી આવ્યા હતા. જ્યારે પ્રિયાંશ આર્યએ 21 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં વેંકટેશ અય્યરે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. દિલ્હી સામેની જીત સાથે મધ્યપ્રદેશે ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે, જ્યાં ટીમ મુંબઈ સામે ટકરાશે.


  • Follow us on: