- પોવારને એનસીએમાં મોકલાયો, મુખ્ય કોચની જાહેરાત હજુ બાકી છે
- બીસીસીઆઇએ વિમેન્સ ટીમના મુખ્ય કોચ રમેશ પોવારની હકાલપટ્ટી કરી
- પોવારે 2021ના મે મહિનામાં બીજી વખત મહિલા ટીમ સાથે જોડવામાં આવ્યો હતો
વિમેન્સ ટી20 વર્લ્ડ કપને હવે માત્ર બે મહિનાનો સમય બાકી છે ત્યારે બીસીસીઆઇએ મંગળવારે વિમેન્સ ટીમના મુખ્ય કોચ રમેશ પોવારની હકાલપટ્ટી કરીને તેને નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે મોકલી દીધો છે. વિમેન્સ ટીમના મુખ્ય કોચની હજુ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મેન્સ-એ તથા અંડર-19 ટીમ સાથે જોડાયેલા ઋષિકેશ કાનિટકરની ઓસ્ટ્રેલિયા સામે નવમી ડિસેમ્બરથી મુંબઇ ખાતે રમાનારી ઘરઆંગણાની મેચો માટે નવા બેટિંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે સિનિયર વિમેન્સ ટીમનો ભૂતપૂર્વ મુખ્ય કોચ રમેશ પોવાર નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ સાથે જોડાશે. કાનિટકર મુંબઇ ખાતે નવમી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી પાંચ ટી20 મેચની શ્રોણી માટે ટીમ સાથે જોડાશે. નોંધનીય છે કે પોવારે 2021ના મે મહિનામાં બીજી વખત મહિલા ટીમ સાથે જોડવામાં આવ્યો હતો. તેની માર્ગદર્શન હેઠળ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.










