નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બી-ગ્રાઉન્ડ ખાતે રમાયેલી રણજી ટ્રોફી ગ્રૂપ-બીની મેચમાં ગુજરાતે ભારે રસાકસી બાદ આંધ્રપ્રદેશને એક રનથી પરાજય આપ્યો હતો. ગુજરાતનો પ્રથમ દાવ 367 રનમાં સમેટાયો હતો. આંધ્રની ટીમ 213માં ઓલઆઉટ થતાં ગુજરાતે તેને ફોલોઓન કરી હતી.
આંધ્રની ટીમે બીજા દાવમાં 297 રન બનાવીને ગુજરાતને મેચ જીતવા માટે 144 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનચેઝ કરનાર ગુજરાતની ટીમે 61 રનના સ્કોર સુધીમાં ઓપનર પ્રિયાંક પંચાલ (6), રિશી પટેલ (8), મનન હિંગરેજિયા (14) અને રવિ બિશ્નોઇની (0) સહિત પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મિડલ ઓર્ડરમાં જયમીત પટેલે 32 તથા ઉમંગ કુમારે 25 રનનું યોગદાન આપ્યું હતું. સુકાની ચિંતન ગજા 30 રન બનાવીને આઉટ થતાં ગુજરાતે 131ના સ્કોર નવમી વિકેટ ગુમાવી દીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ બનેલા અરઝાન નાગવાસવાલાએ અણનમ 16 રન બનાવીને ગુજરાતનો વિજય નિશ્ચિત કર્યો હતો. આંધ્ર માટે લલિત મોહને 76 રનમાં સાત વિકેટ ઝડપી હતી. આંધ્રના બીજા દાવમાં અભિષેક રેડ્ડીના 71, મહીપ કુમારના 55 રન મુખ્ય રહ્યા હતા. ગુજરાત માટે અરઝાને 40 રનમાં ચાર તથા સિદ્ધાર્થ દેસાઇએ 93 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.










