• RCBના અનબોક્સ ઇવેન્ટમાં ટીમની જર્સી કરાઇ લોન્ચ
  • વિરાટ કોહલી નવી જર્સીમાં નજરે આવ્યો
  • ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

IPL 2024ની શરૂઆતને હવે થોડા દિવસો બાકી છે અને 22 માર્ચે સિઝનની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ આમને-સામને ટકરાશે, પરંતુ તે પહેલા RCBએ તેની નવી જર્સીનું અનાવરણ કરી દીધું છે. તેની યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવી છે. જો ગત સીઝનની વાત કરીએ તો RCBની જર્સી પહેલાની જેમ લાલ છે, પરંતુ આ વખતે ટી-શર્ટના ઉપરના ભાગમાં કાળાને બદલે ઘેરા વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

RCBની ઓફિશિયલ વેબસાઈટ ક્રેશ થઈ

જર્સીના લોન્ચિંગના થોડા કલાકો પહેલા જ RCBની ઓફિશિયલ વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી અને લાલ અને વાદળી રંગના મિશ્રણથી બનેલી જર્સી કેટલાક કલાકો પહેલા સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી. એલન વોકર પણ RCB જર્સી લોન્ચ સમારોહમાં હાજરી આપી હતી, જેમને વિરાટ કોહલી અને RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે તેમને એલન વોકરના નામ સાથે છાપેલ RCB ટી-શર્ટ ભેટમાં આપી હતી. આ દરમિયાન RCBની આખી ટીમ, કોચ અને સપોર્ટિંગ સ્ટાફ પણ મંચ પર હાજર હતો. આ વખતે પણ RCBનું ટાઈટલ સ્પોન્સર 'કતાર એરવેઝ' હશે અને ટીમની જર્સી પર મોટા શબ્દોમાં 'કતાર એરવેઝ' લખેલું છે.


મહિલા RCB ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના પણ સ્ટેજ પર હાજર

જર્સી લોન્ચ કરતા પહેલા વિરાટ કોહલીએ મહિલા RCB ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાને સ્ટેજ પર બોલાવી હતી. વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ અને સ્મૃતિ મંધાના, ત્રણેયએ એકસાથે બટન દબાવ્યું, જેના પછી વીડિયો શરૂ થયો, જેમાં વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓ નવી જર્સીમાં પોઝ આપતા જોવા મળ્યા. તમને યાદ અપાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ સ્મૃતિએ પોતાની કપ્તાનીમાં RCB ફ્રેન્ચાઈઝીને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. તેમની ટીમે WPL 2024ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું.


પ્રથમ મેચ ચિન્નાસ્વામીમાં રમાશે

IPL 2024 ની ઓપનિંગ મેચ 22 માર્ચે બેંગ્લોરના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થવા જઈ રહી છે. આ મેચમાં બેંગ્લોરથી દર્શકોની ભારે ભીડ જોવા મળશે. જ્યાં એક તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ હશે, તો બીજી તરફ પ્રથમ IPL ટ્રોફી જીતવાનું સપનું જોઈ રહેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હશે. આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની છે. બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની પણ 2 મહિના બાદ વાપસી થઈ છે. આ કારણે પ્રથમ મેચને લઈને ચાહકોના મનમાં ઉત્તેજના વધુ વધી ગઈ છે. ચાહકોને તેમના ફેન ફેવરિટ વિરાટ કોહલીને પહેલી જ મેચમાં રમતા જોવાની તક મળશે.

RCB પાસેથી ચાહકોની અપેક્ષાઓ વધી

બેંગ્લોરના કરોડો ચાહકોને આશા છે કે RCB મેન્સ ટીમ પ્રથમ વખત IPLનો ખિતાબ જીતશે. ચાહકોને આ આશા એટલા માટે છે કારણ કે આ સિઝનમાં વુમન્સ પ્રીમિયર લીગમાં પણ બેંગ્લોરનો દબદબો રહ્યો છે. ફાઇનલમાં દિલ્હીને હરાવીને બેંગ્લોરે ટ્રોફી જીતી હતી. આ જીત સાથે મહિલા ટીમે RCB ફેન્સનું 16 વર્ષ જૂનું સપનું સાકાર કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે વિરાટ કોહલીની ટીમ પણ પ્રથમ IPL ટ્રોફી જીતવામાં સફળ થાય છે કે કેમ.

  • Follow us on: