• ઇવાન્સ-ખાચાનોવ વચ્ચે અંતિમ પોઇન્ટ ઉપર 22 શોટ્સની રેલી

  • 1992માં એડબર્ગ અને ચાંગ વચ્ચે પાંચ કલાક 26 મિનિટ સુધી મેચ ચાલી હતી
  • ઇવાન્સ અને ખાચાનોવ વચ્ચે પાંચ કલાક 35 મિનિટ સુધી મુકાબલો રમાયો

વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા દિવસે રેકોર્ડ નોંધાયો હતો. ડેનિયલ ઇવાન્સ અને કારેન ખાચાનોવ વચ્ચે યુએસ ઓપનના ઇતિહાસની લોંગેસ્ટ મેચ રમાઈ હતી. પ્રથમ રાઉન્ડનો આ મુકાબલો પાંચ કલાક 35 મિનિટ સુધી રમાયો હતો જે ટૂર્નામેન્ટનો રેકોર્ડ છે.

યુએસ ઓપનમાં 1970માં ટાઇબ્રેકરની શરૂઆત થયા બાદ આ સૌથી લાંબી મેચ છે. યુએસ ઓપનમાં આ પહેલાંની લોંગેસ્ટ મેચનો રેકોર્ડ સ્ટિફન એડબર્ગ અને માઇકલ ચાંગના નામે હતો. 1992માં રમાયેલી આ મેચ વિક્રમી પાંચ કલાક 26 મિનિટ સુધી રમાઈ હતી. સ્વીડનના એડબર્ગે સેમિફાઇનલમાં ચાંગને હરાવ્યો હતો.ઇવાન્સે યુએસ ઓપન 2024ના પ્રથમ રાઉન્ડમાં ખાચાનોવને 6-7 (6-8), 7-6 (7-2), 7-6 (7-4), 4-6, 6-4થી હરાવ્યો હતો. બ્રિટનનો ઇવાન્સ આ મુકાબલાના પાંચમા અને અંતિમ સેટમાં 0-4થી પાછળ હતો પરંતુ તેણે વળતો પ્રહાર કરીને સતત છ ગેમ જીતી હતી. ઇવાન્સ અને ખાચાનોવ વચ્ચેના અંતિમ પોઇન્ટ ઉપર 22 શોટ્સની રેલી રમાઈ હતી.

લોંગેસ્ટ મેચનો રેકોર્ડ વિમ્બલ્ડનમાં નોંધાયેલો છે

ઓવરઓલ ઇન્ટરનેશનલ ટેનિસ ગ્રાન્ડસ્લેમમાં લોંગેસ્ટ મેચનો રેકોર્ડ ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાતા વિમ્બલ્ડનમાં નોંધાયો હતો. 2010માં જોન ઇસનર અને નિકોલસ માહૂત વચ્ચે 11 કલાક પાંચ મિનિટ સુધી મેચ રમાઈ હતી. જોગાનુજોગ આ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની મેચ હતી. જેમાં ઇસનરે આખરે 6-4, 3-6, 6-7 (7-9), 7-6 (7-3), 70-68ના સ્કોરથી વિજય મેળવ્યો હતો.


  • Follow us on: