- BCCI એ ટ્વિટ કરીને આપી માહિતી
- સિનિયર ખેલાડીઓને ન મળ્યું સ્થાન
- પંચ ખેલાડીઓને સ્ટેન્ડ બાય રખાયા
એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ઉતરશે. અગાઉના મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શિખર ધવનને સિલેકટ કરીને કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ એવું ન થયું. શિખર ધવનનુ ટીમ ઈન્ડિયામાં સિલેક્શન નથી થયું. એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમમાં મોટાભાગના એવા ખેલાડીઓ છે જેમણે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત આ ખેલાડીઓની પસંદગીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેઓ વર્લ્ડ કપ માટે ટીમ મેનેજમેન્ટના પ્લાનમાં નથી.
એશિયન ગેમ્સ માટે પુરૂષની ટીમ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી , શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશ ઠાકુર, સાઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન.
આ કારણે સિનિયર ખેલાડીઓને ન મળ્યું ટીમમાં સ્થાન
2010 અને 2014માં BCCIએ અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે ટીમ નહોતી મોકલી. આ વખતે મેન્સ ઈવેન્ટ ભારતની વર્લ્ડ કપની તૈયારીઓ સાથે એકરુપ હશે, તેથી સિનિયર ખેલાડીઓને આ કોન્ટિનેંટલ ઈવેન્ટમાં મોકલવામાં આવી રહ્યા નથી. જ્યાં સુધી શિખર ધવનની વાત છે, તેની પસંદગી ન થવાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ મેનેજમેન્ટ હવે તેના વિશે વિચારી રહ્યું નથી અને તેની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે.
એશિયન ગેમ્સમાં ત્રીજી વખત ક્રિકેટનો સમાવેશ
આ ત્રીજી વખત હશે જ્યારે ક્રિકેટ એશિયન ગેમ્સનો હિસ્સો બનશે. અગાઉ 2010 અને 2014માં ભારતે એશિયન ગેમ્સમાં પોતાની પુરૂષ કે મહિલા ટીમો મોકલી ન હતી. પુરૂષોની ક્રિકેટ સ્પર્ધાઓમાં, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ એક-એક ગોલ્ડ મેડલ જીત્યો છે અને મહિલાઓની સ્પર્ધામાં પાકિસ્તાને બંને વખત જીત મેળવી છે.