• એક્સપ્રેસ-વે ઉપર 100ની મર્યાદા હોવા છતાં રોહિતે તમામ નિયમો તોડયા
  • ખતરનાક ગતિના કારણે ત્રણ ઓનલાઇન ટ્રાફિક મેમો પણ જારી કરવામાં આવ્યા
  • ઓવર સ્પીડિંગના કારણે વિકેટકીપર રિષભ પંતનનો ગંભીર અકસ્માત થયો હતો

ભારતની યજમાનીમાં આઇસીસી વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે ભારતીય સુકાની રોહિત શર્માની એક મોટી લાપરવાહી સપાટી ઉપર આવી છે. અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ પૂરી થયા બાદ રોહિત હેલિકોપ્ટર વડે મુંબઇ પહોંચી ગયો હતો અને બે દિવસ પોતાના પરિવાર સાથે રહ્યો હતો. તે મંગળવારે ફરીથી ટીમ સાથે જોડાઈ ગયો હતો પરંતુ મુંબઇથી પૂણે પહોંચવા માટે તેણે એક્સપ્રેસ-વે ઉપર પોતાની એક લક્ઝરી સ્પોર્ટ્સ કારને 200 કે તેથી વધુ સ્પીડ સાથે દોડાવી હતી. ત્યારબાદ તેને ઓવર સ્પીડિંગના ત્રણ મેમો પણ મળ્યા હતા પરંતુ સૌથી મોટો ગુનો રોહિતનો રહ્યો હતો. નોંધનીય છે કે ગયા ડિસેમ્બરમાં કથિત ઓવર સ્પીડિંગના કારણે વિકેટકીપર રિષભ પંતને ગંભીર અકસ્માત થયો હતો અને તે હજુ પણ ક્રિકેટથી દૂર છે. રોહિત મુંબઇ-પૂણેના એક્સપ્રેસ-વે ઉપર પોતાની લેમ્બોર્ગિની કાર લઈને આવ્યો હતો. ટ્રાફિક વિભાગના અધિકારીના અનુસાર રોહિતે એક્સપ્રેસ-વે ઉપર ઘણી ઓવર સ્પીડ કરી હતી. એક્સપ્રેસ-વે ઉપર સ્પીડની મર્યાદા 100ની છે પરંતુ રોહિતે ક્યારેક 215ની સ્પીડથી કાર ચલાવી હતી. આ ખતરનાક ગતિના કારણે તેના વાહનની નંબર પ્લેટ ઉપર ત્રણ ઓનલાઇન ટ્રાફિક મેમો પણ જારી કરવામાં આવ્યા છે.