• રોહિત શર્માની કારની સ્પીડ 200 કિમી/કલાકની ન હતી
  • રોહિત શર્માને બે ઓનલાઇન ચલણ જારી કરવામાં આવ્યા
  • રોહિત શર્મા પાસેથી કુલ 4,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે 200 કિમી/કલાકની ઝડપે મુંબઈ-પુણે હાઇવે પર કાર દોડાવી હતી. જેના કારણે તેની સામે ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા. જે પછી રોહિતના ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી હતી કે રોહિત આ કેવી રીતે કરી શકે છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે રોહિતની કારની ગતિ 200 કિમી/કલાકની આસપાસ પણ ન હતી.

રોહિતે મુંબઈ-પુણે હાઈવે પર 117ની ઝડપે ગાડી ચલાવી

મળેલા અહેવાલ મુજબ રોહિતે મુંબઈ-પુણે હાઈવે પર 105 કિમી/કલાક અને 117 કિમી/કલાકની ઝડપે ગાડી ચલાવી હતી. હવે જ્યારે અહીં મહત્તમ ઝડપ મર્યાદા 100 કિમી/કલાક છે, ત્યારે તેને ઓવર સ્પીડ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. રોહિત શર્મા પાસેથી કુલ 4,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રોહિતે ગુરૂવારે દંડની રકમ ભરી દીધી હતી.

એક્સપ્રેસ વેની બંને બાજુ લગાવેલા કેમેરામાં કેદ થઇ કાર

હાઈ-પે પોલીસના અધિક્ષકે પુષ્ટિ આપી હતી કે, "સ્પીડ લિમિટના ઉલ્લંઘનની આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. રોહિત શર્મા દ્વારા દંડની રકમ તરત જ ચૂકવવામાં આવી હતી. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે રોહિત શર્મા 200 કિમી/કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો, જે બિલકુલ સાચા નથી. હાઇવે પર રોહિતની કારે સ્પર્શ કરેલી મહત્તમ ઝડપ મર્યાદા 117 કિમી/કલાક હતી. આ સમય દરમિયાન એક્સપ્રેસ વેની બંને બાજુ લગાવેલા કેમેરામાં તેની કાર કેદ થઇ ગઈ હતી.


  • Follow us on: