- રોહિત શર્માએ શ્રીલંકા સામે 6 સિક્સ ફટકારી ક્રિસ ગેલની બરાબરી
- હવે માત્ર પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી રોહિત શર્માથી આગળ
- રોહિત શર્માએ શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા
ભારતીય ટીમને શ્રીલંકા સામે ત્રીજી વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાએ ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમને 110 રને હરાવ્યું છે. આ મેચમાં ભારત માટે બોલર અને બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત ત્રીજી વનડે હારી જતાની સાથે જ ભારતીય ટીમ વનડે સિરીઝ 0-2થી હારી ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ ઇનિંગની શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તેમ છતાં રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડમાં ક્રિસ ગેલની બરાબરી કરી લીધી છે.
રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 331 સિક્સ ફટકાર્યા
રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં 20 બોલમાં 35 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોકા અને એક સિક્સનો સમાવેશ થાય છે. આ સાથે રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારવાના મામલે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ ક્રિસ ગેલની બરાબરી કરી લીધી છે. આ બન્ને બેટ્સમેનોએ વનડે ક્રિકેટમાં 331-331 સિક્સ ફટકાર્યા છે. હવે માત્ર પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી રોહિત શર્માથી આગળ છે. શાહિદ આફ્રિદીએ વનડે ક્રિકેટમાં 351 સિક્સ ફટકાર્યા છે.
વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી
| 1 | શાહિદ આફ્રિદી | 351 |
| 2 | રોહિત શર્મા | 331 |
| 3 | ક્રિસ ગેલ | 331 |
| 4 | સનથ જયસૂર્યા | 270 |
| 5 | મહેન્દ્ર સિંહ ધોની | 229 |
| 6 | ઇઓન મોર્ગન | 220 |
શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યા
રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમીને શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા છે. રોહિત શર્મા શ્રીલંકા સામે 2000થી વધુ વનડે રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની આ કરી ચુક્યા છે. સચિન તેંડુલકરે ભારત માટે શ્રીલંકા સામે સૌથી વધુ વનડે રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે 3113 રન બનાવ્યા છે.
શ્રીલંકાની સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
| 1 | સચિન તેંડુલકર | 3113 |
| 2 | વિરાટ કોહલી | 2652 |
| 3 | મહેન્દ્ર સિંહ ધોની | 2383 |
| 4 | રોહિત શર્મા | 2021 |