• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાશે
  • આ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા રચી શકે ઈતિહાસ
  • રોહિત શર્માએ વનડેમાં અત્યાર સુધી 10889 રન બનાવ્યા છે

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી જીત્યા બાદ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રમતા જોવા મળશે. રોહિતની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે અને તેણે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. રોહિત શર્માએ ODI ક્રિકેટમાં 264 રનનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર શ્રીલંકા સામે બનાવ્યો હતો. હવે રોહિત શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં મહેન્દ્ર સિંહ ધોની અને રાહુલ દ્રવિડને પાછળ છોડી શકે છે.

આ બે દિગ્ગજોને છોડી શકે પાછળ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 10709 રન બનાવ્યા છે. હવે શ્રીલંકા સામેની સિરીઝમાં તે 65 રન બનાવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની અને 181 રન બનાવ્યા બાદ રાહુલ દ્રવિડને પાછળ છોડી દેશે. ધોનીએ વનડેમાં 10773 રન અને રાહુલ દ્રવિડે વનડેમાં 10889 રન બનાવ્યા છે. હવે રોહિત પાસે આ બંને દિગ્ગજ ખેલાડીઓને હરાવવાની સુવર્ણ તક છે.

ODI ક્રિકેટમાં 11000 રન પૂરા કરવાની તક

આ સિવાય જો રોહિત શર્મા ત્રણ વનડે સિરીઝમાં વધુ 291 રન બનાવશે તો તે વનડે ક્રિકેટમાં પોતાના 11000 રન પૂરા કરશે. અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી જ ભારત માટે 11000 હજારથી વધુ રન બનાવી શક્યા છે. રોહિતની નજર આ મોટા રેકોર્ડ પર રહેશે.

ભારતની નજર ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી પર

શ્રીલંકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં તમામ સિનિયર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરની આ પ્રથમ વનડે સિરીઝ હશે. ભારતીય ખેલાડીઓની નજર હવેથી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી પર રહેશે.


  • Follow us on: