• નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ પહેલાંની 'ફાઇનલ'

  • કાળઝાળ ગરમીની વચ્ચે બેટિંગ માટેની સ્વર્ગસમી પિચ ઉપર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલે તેવી સંભાવના

ક્વોલિફાયર-1માં એવરેજ બોલિંગ પ્રદર્શનને ભૂલીને 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સની ટીમ વર્તમાન આઇપીએલમાં શુક્રવારે રમાનારા ક્વોલિફાયર-2માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પોતાનું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કરવા માગશે. એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રોમાંચક વિજય હાંસલ કર્યા બાદ ફાફ ડુ પ્લેસિસની બેંગ્લોર ટીમ આત્મવિશ્વાસથી વધારે મજબૂત બની છે. લીગ તબક્કામાં નસીબના સહારે નાટકીય રીતે પ્લે ઓફમાં સ્થાન મેળવ્યા બાદ બેંગ્લોરની ટીમ છેલ્લા 14 વર્ષથી ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહી છે અને આ વખતે સમર્થકો પણ મોટી અપેક્ષાઓ રાખે છે અને આ વખતે બેંગ્લોરના ખેલાડીઓ પણ ટાઇટલ જીતવા માટે કટિબદ્ધ જણાય છે. આ મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. ગરમી હોવાના કારણે બીજી ઇનિંગમાં ઝાકળનું પરિબળ નડે તેવી નહિવત્ સંભાવના છે. તેમ છતાં ટોસ જીતનાર ટીમ રનચેઝ કરે તેવી વધારે સંભાવના છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં રમશે.

બેંગ્લોર પાસે મેચવિનર ખેલાડીઓની ફોજ છે

વિરાટ કોહલી અને સુકાની ફાફ ડુ પ્લેસિસના સ્વરૂપે બેંગ્લોર પાસે બે સ્ટાર બેટ્સમેન છે. એલિમિનેટરમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરનાર રજત પાટીદારે પોતાના ફોર્મને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આઇપીએલની મેગા હરાજીમાં નહીં વેચાયેલો પાટીદાર વૈકલ્પિક ખેલાડી તરીકે બેંગ્લોરનો હિસ્સો બન્યો હતો અને એક ઇનિંગે તેનું નસીબ ફેરવી નાખ્યું છે. બેંગ્લોર માટે મેચફિનિશર તરીકે સ્થાપિત થયેલો દિનેશ કાર્તિક વધુ કેટલાક રન પોતાના નામે ઉમેરવા માગશે. બેંગ્લોર તેનું વિનિંગ કોમ્બિનેશન તોડે તેવી ઓછી સંભાવના છે.

બટલર-સેમસન ઉપર રાજસ્થાનની બેટિંગનો મદાર

બેંગ્લોરના બોલર્સ સામે સૌથી મોટો પડકાર રાજસ્થાનના ઇંગ્લિશ ઓપનર જોશ બટલર અને સુકાની સંજૂ સેમસનને કાબૂમાં રાખવાનો છે. બન્ને જ્યારે ફોર્મમાં હોય છે ત્યારે કોઈ પણ બોલિંગ આક્રમણના છોતરાં કાઢી શકે છે. જોશ બટલર 15 મેચમાં 148.34ના સ્ટ્રાઇક રેટથી 718 રન બનાવી ચૂક્યો છે અને તેણે ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે. સંજૂ સેમસન 150.35ના સ્ટ્રાઇક રેટથી 15 મેચમાં 421 રન બનાવી ચૂક્યો છે. દેવદત્ત પડિક્કલે (15 મેચમાં 365 રન) પણ મોટી ઇનિંગ રમવી પડશે.

રાજસ્થાનના બોલર્સે નવી શરૂઆત કરવી પડશે

ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર-1માં રાજસ્થાનના બોલર્સે કરેલા પ્રદર્શનને ભૂલી જઈને બેંગ્લોર સામે નવી શરૂઆત કરવી પડશે. ઓફ સ્પિનર અશ્વિન સામાન્ય ફોર્મમાં જણાતો હતો. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ડેથ ઓવર્સમાં ફૂલ લેન્થ બોલ નાખવાના બદલે નવી રણનીતિ અપનાવવી પડશે. રાજસ્થાનની ટીમ માટે લેગ સ્પિનર યૂજવેન્દ્ર ચહલ મુખ્ય હથિયાર બની શકે છે. ચહલ 15 મેચમાં 7.70ના ઇકોનોમી રેટ સાથે અત્યાર સુધીમાં 26 વિકેટ ઝડપી ચૂક્યો છે. પર્પલ કેપના દાવેદાર ચહલે 40 રનમાં પાંચ વિકેટનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.

છેલ્લા પાંચ મુકાબલામાં બેંગ્લોરનું પલડું 4-1થી ભારે છે

આઇપીએલ 2022ના લીગ તબક્કામાં બેંગ્લોર અને રાજસ્થાન બે વખત આમનેસામને થઈ હતી અને બન્નેએ એક-એક મેચ જીતી હતી. છેલ્લા પાંચ મુકાબલામાં બેંગ્લોરનું પલડું ભારે રહ્યું છે અને રાજસ્થાન સામે તેનો વિનિંગ રેશિયો 4-1નો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અગાઉ મોટેરા સ્ટેડિયમ) ખાતે આ બન્ને ટીમ એક વખત એકબીજા સામે રમી હતી જેમાં પણ મુકાબલો બેંગ્લોરના નામે રહ્યો હતો. આંકડા બેંગ્લોરની તરફેણમાં છે પરંતુ ક્રિકેટમાં પ્રત્યેક મુકાબલો નવો હોય છે અને મેચના દિવસે જેનો સારો દેખાવ રહેશે તે ફાઇનલમાં સ્થાન મેળવશે.

બેંગ્લોર ત્રીજી વખત ક્વોલિફાયર-2 રમશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વખતે પોતાની ત્રીજો ક્વોલિફાયર-2 મુકાબલો રમશે. આ પહેલાં તેણે છેલ્લે 2015માં ક્વોલિફાયર-2 મુકાબલો રમ્યો હતો અને તેનો ચેન્નઇ સુપર કિંગ્સ સામે પરાજય થયો હતો. આ પહેલાં બેંગ્લોરની ટીમે 2011માં ક્વોલિફાયર-2 રમવાની તક મળી હતી જેમાં તેણે મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ એલિમિનેટરમાં વિજય હાંસલ કર્યા બાદ બેંગ્લોરનો આત્મવિશ્વાસ વધારે મજબૂત બન્યો છે. ફોર્મના આધારે બેંગ્લોર વિજય માટેની ફેવરિટ ટીમ તરીકે મેદાનમાં ઊતરશે.

હર્ષલ અને હેઝલવૂડ ડેથ ઓવર્સ સ્પેશિયાલિસ્ટ છે

શ્રીલંકન બોલર વાનિંન્દુ હસરંગા સાહસિક બોલર છે અને તે ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવીને બોલિંગ કરે છે. ડેથ ઓવર્સમાં હર્ષલ પટેલ હરીફ બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરવા ઉપરાંત રનરેટ ઉપર બ્રેક પણ મારે છે. મોહમ્મદ સિરાજે રિધમ અને ફોર્મ હાંસલ કર્યા છે. ડેથ ઓવર્સમાં ચુસ્ત સ્પેલ નાખવાની સાથે પેસ બોલર જોશ હેઝલવૂડના ઘાતક યોર્કર રમવા કોઈ પણ બેટ્સમેન માટે મુશ્કેલ છે. હસરંગા 15 મેચમાં 7.62ના ઇકોનોમી રેટ સાથે 25 વિકેટ ઝડપી ચૂક્યો છે અને તેનું બેસ્ટ પ્રદર્શન 18 રનમાં પાંચ વિકેટનું રહ્યું છે.


  • Follow us on: