રણજી ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડની મેચમાં મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચેનો મુકાબલો રોમાંચક બની ગયો છે. પ્રથમ દાવમાં શૂન્યના સ્કોર પર આઉટ થયેલા ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્ર માટે બીજી ઇનિંગમાં સદી ફટકારી છે. તેણે માત્ર 87 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. ગાયકવાડ મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેની સદીએ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે.
ગાયકવાડની શાનદાર સદી
મહારાષ્ટ્રનો પ્રથમ દાવ માત્ર 126 રનમાં સમેટાઈ ગયો હતો, જેના જવાબમાં મુંબઈએ શ્રેયસ ઐયર અને આયુષ મ્હાત્રેની સદીની ઇનિંગ્સના આધારે 441 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મુંબઈને પ્રથમ દાવમાં 315 રનની લીડ મળી હતી. ગાયકવાડની સદી એવા સમયે આવી છે જ્યારે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મોકલવામાં આવનાર ઈન્ડિયા A ટીમનો કેપ્ટન બનાવવાની અટકળો ચરમસીમા પર છે. ગાયકવાડે 114.9ના સ્ટ્રાઈક રેટથી રમતા પોતાની સદી પૂરી કરી છે.
ગાયકવાડ દુલીપ ટ્રોફીમાં પણ ચમક્યો હતો
અગાઉ ઋતુરાજ ગાયકવાડ દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા સીની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 3 મેચની 6 ઇનિંગ્સમાં બે અડધી સદી સહિત 232 રન બનાવ્યા હતા. પરંતુ ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતી વખતે તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો, પરંતુ હવે તેણે રણજી ટ્રોફીની શરૂઆતની મેચમાં સદી ફટકારીને સારા ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા છે.
22 નવેમ્બરથી સિરીઝ શરૂ થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા ઈન્ડિયા A ટીમ ઓસ્ટ્રેલિયા A સાથે પ્રેક્ટિસ મેચ રમશે. એવી અટકળો છે કે ઋતુરાજ ગાયકવાડને બેકઅપ ઓપનિંગ બેટ્સમેન તરીકે ભારતની 15 સભ્યોની ટીમમાં સ્થાન મળી શકે છે.