- સાનિયાએ તેની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી
- લગભગ બે દાયકા પહેલા ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ જીતીને શાનદાર ડેબ્યૂ કર્યું હતું
- સાનિયાને છેલ્લી મેચ રમતી જોવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ હૈદરાબાદ પહોંચ્યા હતા
ભારતની સુપરસ્ટાર મહિલા ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસ લઈ લીધો છે. ભારતમાં છેલ્લા બે દાયકામાં જો કોઈ મહિલા ખેલાડીનું નામ દરેક શહેરમાં ફેમસ હતું તો તે સાનિયા મિર્ઝાનું નામ હતું. તેણે ટેનિસમાં માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તેણે હૈદરાબાદમાં રવિવાર, 5 માર્ચ, 2023ના રોજ ખૂબ જ ભીની આંખો સાથે ટેનિસને અલવિદા કહ્યું. તેણે તેની કારકિર્દી હૈદરાબાદથી શરૂ કરી હતી અને હવે તેનો અંત પણ ત્યાં જ કર્યો.


સાનિયાએ તેની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેણે લગભગ બે દાયકા પહેલા ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ જીતીને શાનદાર ડેબ્યૂ કર્યું હતું. સાનિયાને છેલ્લી મેચ રમતી જોવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ હૈદરાબાદના મેદાન પર પહોંચ્યા હતા. આમાં તેલંગાણાના રમતગમત મંત્રીની સાથે-સાથે રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝાના બેસ્ટ ફ્રેન્ડ બેથાની માટેકનો સમાવેશ થાય છે, જે સાનિયાની સૌથી સારી મિત્ર છે.

મેદાન પર અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા
આ સિવાય કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ મેદાન પર હાજર હતા. જ્યારે સાનિયા મેદાન પર પહોંચી તો ત્યાં હાજર તમામ લોકોએ તેના માટે ખૂબ તાળીઓ પાડી અને તેનું જબરદસ્ત સ્વાગત કર્યું. સાનિયા મિર્ઝા તેના વિદાયના ભાષણમાં ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, હું તમારા બધાની સામે મારી કારકિર્દીની છેલ્લી મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 20 વર્ષ સુધી પોતાના દેશ માટે રમતા રહેવું એ મારા માટે સૌથી મોટું સન્માન છે. પોતાના દેશ માટે ટોપ લેવલ પર રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે અને હું આવું કરવામાં સફળ થઈ શકી.

પોતાની છેલ્લી મેચ પહેલા વિદાય ભાષણ આપતા સાનિયા મિર્ઝા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું કે આ ખુશીના આંસુ છે. હું આનાથી વધુ સારી વિદાયની અપેક્ષા નહોતી કરી શકતી. તેણે કહ્યું કે, ભલે મેં ટેનિસને અલવિદા કહી દીધું હોય, પણ હું ભારત અને તેલંગાણામાં ટેનિસ સહિત અન્ય રમતોનો ભાગ બનીને તેને આગળ લઈ જવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. આ સ્પીચ બાદ સાનિયા મિર્ઝાએ છેલ્લી મેચ રમી હતી અને તે પછી તેલંગાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી શ્રીનિવાસ ગૌડે પણ આદરપૂર્ણ ભાષણ સાથે સાનિયાને શાનદાર વિદાય આપી હતી.