• સાનિયાએ 2005માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં 18 વર્ષની ઉંમરે તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ રમ્યું
  • તેણે મિક્સ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપન 2012 અને યુએસ ઓપન 2014માં પણ ટાઇટલ જીત્યા
  • 2015માં, સાનિયાએ વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો

સાનિયા મિર્ઝાએ મંગળવારે (21 ફેબ્રુઆરી) પોતાના કરિયરની છેલ્લી મેચ રમી હતી. તે હવે પ્રોફેશનલ ટેનિસમાં રેકેટ પકડતી જોવા નહીં મળે. 22 વર્ષની કારકિર્દીમાં તેણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ઘણા સમય પહેલા જાહેરાત કરી હતી કે દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. મંગળવારે (21 જાન્યુઆરી) આ ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં હારીને તે ટૂર્નામેન્ટમાંથી તેમજ ટેનિસ કોર્ટમાંથી કાયમ માટે બહાર થઈ ગઈ હતી. આ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી. આ મેચમાં મિર્ઝા અને તેની અમેરિકન જોડીદાર મેડિસન કીઝને રશિયાની વેરોનિકા કુડેરમાટોવા અને લ્યુડમિલા સેમસોનોવાએ 6-4, 6-0થી માત આપી હતી. સાનિયા મિર્ઝાએ વર્ષ 2001માં ભારતની ITF ટૂર્નામેન્ટથી પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, આગામી 22 વર્ષ સુધી, તેણે ટેનિસની દુનિયામાં ઘણા રંગ ઉમેર્યા. તે ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી રહી છે. સાનિયા મિર્ઝાએ 2005માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં 18 વર્ષની ઉંમરે તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ રમ્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જીત મેળવી હતી. તે આ ગ્રાન્ડ સ્લેમમાં મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી. આવું કરનાર તે પહેલી ભારતીય મહિલા ખેલાડી હતી.

WTA ન્યૂકમર ઓફ ધ યર માટે પણ પસંદ કરાઈ

તેના ગ્રાન્ડ સ્લેમ ડેબ્યૂના વર્ષે જ સાનિયાએ યુએસ ઓપન 2005માં પણ જબરદસ્ત સફળતા હાંસલ કરી હતી. તે મહિલા સિંગલ્સના ચોથા રાઉન્ડમાં પહોંચી હતી. વર્ષ 2005માં જ સાનિયાએ ફર્સ્ટ સિંગલ્સ WTA ટૂર ટાઈટલ જીત્યું હતું. આ સિદ્ધિ મેળવનારી તે પહેલી ભારતીય મહિલા પણ હતી. વર્ષ 2005માં તે મહિલા સિંગલ્સની ટોપ-50 રેન્કિંગમાં સ્થાન બનાવવામાં પણ સફળ રહી હતી. તેને WTA ન્યૂકમર ઓફ ધ યર માટે પણ પસંદ કરવામાં આવી હતી. આ પહેલા ટેનિસ જગતમાં કોઈપણ ભારતીય ખેલાડી આ સ્થાન હાંસલ કરી શક્યો ન હતો. અહીંથી સાનિયા મિર્ઝા આગળ વધતી રહી. તેણે બેક ટુ બેક ડબલ્યુટીએ ડબલ્સ ટાઇટલ જીત્યા અને ગ્રાન્ડ સ્લેમ્સમાં પણ પોતાની છાપ છોડવાનું ચાલુ રાખ્યું. વર્ષ 2007માં, તે WTA સિંગલ્સ રેન્કિંગમાં 27મા ક્રમે હતી. સાનિયાએ તેની કારકિર્દીમાં એક સિંગલ્સ ડબલ્યુટીએ ટાઇટલ અને 43 ડબલ્સ ડબલ્યુટીએ ટાઇટલ જીત્યા હતા.

91 અઠવાડિયા સુધી વિમેન્સ ડબલ્સમાં નંબર-1

સાનિયા મહિલા સિંગલ્સમાં એટલી સફળ રહી શકી ન હતી, આવી સ્થિતિમાં તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ડબલ્સમાં લગાવ્યું હતું. વર્ષ 2009માં સાનિયાએ પોતાની કારકિર્દીનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. તે ઓસ્ટ્રેલિયન ઓપન 2009માં મહેશ ભૂપતિ સાથે મિક્સ્ડ ડબલ્સ ચેમ્પિયન બની હતી. આ પછી, તેણે મિક્સ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપન 2012 અને યુએસ ઓપન 2014માં પણ ટાઇટલ જીત્યા. 2015માં, સાનિયાએ વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. 2016માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. આ રીતે, તેણે તેની કારકિર્દીમાં કુલ 6 ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા. સાનિયા મિર્ઝા લગભગ 91 અઠવાડિયા સુધી વિમેન્સ ડબલ્સમાં નંબર-1 પર હતી. તેણે 13 એપ્રિલ 2005ના રોજ પહેલી વખત આ પદ હાંસલ કર્યું હતું.

  • Follow us on: