- નોટિંગહામશાયર અને વોરવિકશાયરની મેચમાં શાહિને બોલિંગથી લોકોના દિલ જીત્યા
- નોટિંગહામશાયર સામે વાઇટાલિટી બ્લાસ્ટમાં આફ્રિદીએ કમાલ કરી
- પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 1 ઓવરમાં 4 વિકેટ લીધી
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી હાલમાં વાઇટાલિટી બ્લાસ્ટમાં નોટિંગહામશાયર તરફથી રમી રહ્યા છે. શાહિને 30મી જૂને રમાયેલી મેચમાં એક ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનની સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ આ દિવસોમાં રમાઈ રહેલા વાઇટાલિટી બ્લાસ્ટમાં કમાલ કરી હતી. ટૂર્નામેન્ટમાં નોટિંગહામશાયર તરફથી રમતા શાહીન આફ્રિદીએ એક ઓવરમાં ચાર વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. શાહિને પહેલી જ ઓવરમાં આ કારનામું કર્યું હતું. નોટિંગહામશાયર અને વોરવિકશાયર વચ્ચે રમાયેલી મેચમાં વોરવિકશાયર ભલે જીતી ગયું હોય પરંતુ શાહીન આફ્રિદીએ પોતાની બોલિંગથી બધાના દિલ જીતી લીધા હતા.
1 ઓવરમાં 4 વિકેટો ઝડપી
શાહીનની ઓવરનો વીડિયો વાઇટાલિટી બ્લાસ્ટના ઓફિશિયલ સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. નોટિંગહામશાયર તરફથી પ્રથમ ઓવર લાવનાર શાહીને પહેલો બોલ વાઈડ ફેંકી, જેથી ફોર લાગી હતી. તેના પછીના બોલ, તેમણે વોરવિકશાયરના બેટ્સમેન એલેક્સ ડેવિસને યોર્કર લેન્થ ફેંક્યો, જેને તેઓ સમજી શક્યા નહીં અને LBW થયા પછી જમીન પર પડી ગયા.
ત્યાર બાદ તેના આગલા બોલ પર શાહિને ક્રિસ બેન્જામિનને બોલ્ડ કર્યા હતા. તે જ સમયે, શાહીનની ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર 1-1 રન આવ્યા હતા. પાંચમા બોલ પર શાહીન ડાબા હાથના બેટ્સમેન ડેન મૌસલીને પણ આઉટ કર્યા. આ પછી ઓવરના છેલ્લા બોલ પર આફ્રિદીએ એડ બર્નાર્ડનો ઓફ સ્ટમ્પ ઉખાડી તેમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મેચમાં શાહીન તરફથી ઘણી શાનદાર બોલિંગ જોવા મળી હતી. તેણે 7.20ની ઈકોનોમી સાથે 4 ઓવરમાં 29 રન આપ્યા અને 4 વિકેટ લીધી. આ દરમિયાન તેણે મેડન ઓવર ફેંકી હતી.
શાહીન આફ્રિદીની ટીમ મેચ હારી ગઈ હતી
મેચમાં વોરવિકશાયરએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા નોટિંગહામશાયરની ટીમ 20 ઓવરમાં 168 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે વિકેટકીપર ટોમ મૂરેસે સૌથી મોટી 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 73 રનની ઇનિંગ રમી હતી. રનનો પીછો કરતા વોરવિકશાયરે 19.1 ઓવરમાં 8 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી મેચ જીતી લીધી હતી. ટીમ માટે રોબર્ટ યેટ્સે 46 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.