• સૂર્યકુમાર હર્નિયાની સર્જરી માટે જર્મની જાય તેવી સંભાવના

  • પ્રથમ બે ટેસ્ટ માટે શાર્દુલ અથવા મુકેશને તક મળશે
  • મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મેદાનમાં પરત ફરવા માટે લાંબો સમય લાગી શકે છે

ભારતનો અનફિટ પેસ બોલર મોહમ્મદ શમી ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રોણીની પ્રથમ બે મેચ ગુમાવે તેવી પૂરી સંભાવના છે. શમી હજુ સુધી ઘૂંટણની સમસ્યામાંથી મુક્ત થઈ શક્યો નથી જેના કારણે તેને તાજેતરમાં સાઉથ આફરિકા સામેની બે ટેસ્ટની શ્રોણી ગુમાવવી પડી હતી. અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી20 મેચની શ્રોણી બાદ ભારત ઇંગ્લેન્ડની યજમાની કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ હૈદરાબાદ ખાતે 25મી જાન્યુઆરીથી તથા બીજી ટેસ્ટ બીજી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.

મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મેદાનમાં પરત ફરવા માટે લાંબો સમય લાગી શકે છે. તે આગામી આઇપીએલ પહેલાં ફિટ થવા માટે વિદેશમાં સંભવિત જર્મનીમાં હર્નિયાની સર્જરી કરાવશે જેના કારણે તે લગભગ નવ સપ્તાહ સુધી ક્રિકેટથી દૂર રહેશે. સૂર્યકુમાર અને હાર્દિક પંડયાની ગેરહાજરીના કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિના કરતાં વધારે સમય બાદ ટી20 ટીમમાં પરત ફર્યા છે. રોહિત 11મી જાન્યુઆરીથી અફઘાન ટીમ સામે રમાનારી ટી20 શ્રોણીમાં ટીમનું નેતૃત્વ કરશે.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે શમીએ હજુ સુધી બોલિંગ કરવાનું શરૂ કર્યું નથી અને તેણે એનસીએ જઈને પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ ગુમાવે તેવી પૂરી સંભાવના છે. સૂર્યકુમારને સંપૂર્ણ ફિટ થવા માટે ધાર્યા કરતાં વધારે સમય લાગી શકે છે. બોર્ડ સૂર્યકુમારની ટ્રિટમેન્ટ માટે એક નિષ્ણાતની સલાહ લઈ રહ્યું છે અને તેને સર્જરી માટે વિદેશમાં મોકલી શકાય તેમ છે. આ પહેલાં શમીને સાઉથ આફરિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં તેની ફિટનેસના આધારે સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ બોર્ડની મેડિકલ ટીમે તેની ફિટનેસ અંગે લીલી ઝંડી નહીં આપતા તેને સિરીઝની બહાર કરી દેવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રોણીના પ્રથમ બે મુકાબલામાં શમીના સ્થાને શાર્દુલ ઠાકુર અથવા મુકેશ કુમારને તક આપવામાં આવી શકે છે. પેસ બોલિંગનું નેતૃત્વ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ કરશે. ઘરઆંગણાની પરિસ્થિતિમાં સ્પિનર અશ્વિન તથા જાડેજા ઇંગ્લિશ ટીમ ઉપર હાવી થઈ શકે છે.

  • Follow us on: