પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુલતાનના મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન શાન મસૂદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ઓપનર સેમ અયુબ માત્ર ચાર બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ અબ્દુલ્લા શફીક અને કેપ્ટન મસૂદે રન બનાવવાની જવાબદારી લીધી હતી.
શાન મસૂદે શાનદાર ઇનિંગ રમી હતી
પાકિસ્તાની ટેસ્ટ ટીમના કેપ્ટન શાન મસૂદે બેટિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે અને તેણે ઇનિંગ્સની શરૂઆતથી જ ઝડપી ગતિએ રન બનાવ્યા હતા. તે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે 102 બોલમાં 100 રન બનાવ્યા જેમાં 10 ફોર અને બે સિક્સરનો સમાવેશ થાય છે. મસૂદ હજુ પણ ક્રિઝ પર હાજર છે. ખાસ વાત એ છે કે કેપ્ટન તરીકે તેણે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે.
બાબર આઝમે પાકિસ્તાની ટેસ્ટ કેપ્ટન તરીકે છેલ્લી સદી ફટકારી
ટેસ્ટ કેપ્ટન તરીકે પાકિસ્તાન માટે છેલ્લી ટેસ્ટ સદી બાબર આઝમે ફટકારી હતી. ત્યારબાદ તેણે ડિસેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે 161 રનની ઇનિંગ રમી હતી. હવે 22 મહિના બાદ પાકિસ્તાનના કોઈ ટેસ્ટ કેપ્ટને સદી ફટકારી છે. શાન મસૂદે આ દુષ્કાળ ખતમ કર્યો છે.
પાકિસ્તાની ટેસ્ટ કેપ્ટન તરીકે બીજી સૌથી ઝડપી સદી
શાન મસૂદ ટેસ્ટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર પાકિસ્તાની કેપ્ટન બની ગયો છે. તેણે 102 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પાકિસ્તાન માટે ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ મિસ્બાહ-ઉલ-હકના નામે છે. તેણે 2014માં ઓસ્ટ્રેલિયામાં 56 બોલમાં સદી ફટકારી હતી. શાન મસૂદે સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 2000 રન પૂરા કરી લીધા છે. તેણે 2013માં પાકિસ્તાની ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેણે 36 ટેસ્ટ મેચમાં 2002 રન બનાવ્યા છે.