• ભારત પાસે વર્ષનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાની તમામ તક રહેશે

  • ભારતીય ટીમે છ મેચમાં પાંચ વિજય હાંસલ કર્યા હતા
  • સુકાની શેફાલીએ છ મેચમાં 157 રન બનાવ્યા હતા

સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાતા આઇસીસી અંડર-19 વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ રમાશે. ચાલુ વર્ષે કુલ ત્રણ આઇસીસી વર્લ્ડ કપ રમાવાના છે ત્યારે ભારત પાસે વર્ષનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાની તમામ તક રહેશે. ચાલુ મહિને વિમેન્સ ટી20 વર્લ્ડ કપ તથા વર્ષના અંત ભાગમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. શેફાલી વર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ હતી.

પોશ્વફેસ્ટ્રુમ ખાતે ભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે એકતરફી અંદાજમાં વિજય હાંસલ કર્યો હતો પરંતુ ફાઇનલનો માર્ગ તેના માટે આસાન રહેશે નહીં. ઇંગ્લેન્ડની ટીમે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી અને તેણે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ, રવાન્ડા, પાકિસ્તાન તથા ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. ભારતીય ટીમે છ મેચમાં પાંચ વિજય હાંસલ કર્યા હતા. એક મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારતે ફાઇનલ સુધીની સફરમાં ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, સ્કોટલેન્ડ, યુએઇ તથા સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.

આઇસીસી અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ સિઝનમાં 18 વર્ષીય શ્વેતા સેહરાવતે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને તેણે છ મેચમાં 292 રન બનાવ્યા છે અને તે ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. સુકાની શેફાલીએ છ મેચમાં 157 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર પાર્શવી ચોપરાએ પાંચ મેચમાં નવ વિકેટ હાંસલ કરી છે. તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 20 રનમાં ત્રણ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. સેમિફાઇનલમાં શ્વેતાએ 45 બોલમાં અણનમ 61 રન બનાવીને કિવિ બોલર્સને હતાશ કર્યા હતા.


  • Follow us on: