• દુબેની તુલના યુવરાજ સિંહ સાથે કરવામાં આવે છે
  • બીજી T20માં શિવમ દુબે ખાસ સિદ્ધી હાંસલ કરી
  • આ કારનામું કરનાર બીજો ભારતીય ઓલરાઉન્ડર

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબેની તુલના ઘણીવાર યુવરાજ સિંહ સાથે કરવામાં આવે છે. રવિવારે તેણે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20 ઈન્ટરનેશનલમાં તોફાની બેટિંગ કરીને ફરી એકવાર યુવીને યાદ અપાવી હતી. યુવરાજની જેમ દુબેએ પણ 32 બોલમાં અણનમ 63 રન ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. આ દરમિયાન તેણે 5 ફોર-4 સિક્સર ફટકારી અને 196.88ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ તોફાની ઇનિંગ્સ સાથે શિવમ દુબે યુવરાજ સિંહની એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો.

દુબે આ કારનામું કરનાર બીજો ઓલરાઉન્ડર

શિવમ દુબેએ બીજી T20 દરમિયાન એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 રન બનાવનાર અને વિકેટ લેનારો બીજો ભારતીય ઓલરાઉન્ડર બન્યો હતો. આ મામલે યુવરાજ સિંહ ટોપ પર છે. જેણે ત્રણ વખત આ કારનામું કર્યું છે. શિવમ દુબેએ બે વખત આ સિદ્ધિ મેળવી છે અને તે બીજા સ્થાને આવી ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી પણ સામેલ છે. જેણે બે વખત આવું કર્યું છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને તિલક વર્મા એવા અન્ય ખેલાડીઓ છે જેમણે એક-એક વાર આ સિદ્ધિ મેળવી છે.

શિવમ દુબેની બોલિંગની વાત કરીએ તો આ મેચમાં તેણે અઝમતુલ્લા ઓમરઝાઈને પોતાનો શિકાર બનાવ્યો હતો. સાતમી ઓવરમાં દુબેએ તેને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. તેણે કુલ 3 ઓવર નાંખી અને 36 રન આપીને 1 વિકેટ લીધી.

દુબે સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર

પ્રથમ T20 મેચની વાત કરીએ તો દુબેએ 2 ઓવરમાં 9 રન આપીને એક વિકેટ લીધી હતી. તેણે ઈબ્રાહિમ ઝદરાનને રોહિત શર્માના હાથે કેચ કરાવીને આઉટ કર્યો હતો. એકંદરે, શિવમ દુબે સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે ઉભરી રહ્યો છે. ત્રીજી ટી20 મેચમાં તે પોતાની લય જાળવી રાખવામાં કેટલો સફળ થાય છે તે જોવું રસપ્રદ રહેશે. ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.


  • Follow us on: