• ઐયરની હાજરી કેકેઆર માટે મહત્ત્વપૂર્ણ : પંડિત

  • શ્રેયસ ડબલ્યુટીસી ફાઇનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે
  • ઐયરે એનસીએના અધિકારીઓ અને તજજ્ઞ ડોક્ટર્સની મુલાકાત લઇ લીધી

ટીમ ઈન્ડિયાના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર કમર દર્દના ઇલાજ માટે રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી(એનસીએ) પહોંચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર ઐયર સાત જૂનથી શરૂ થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ(ડબલ્યુટીસી) ફાઇનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે, તેથી તેણે સર્જરીમાંથી પસાર થવાના બદલે એનસીએમાં સામયિક ઉપચાર કરાવવાનો નિર્ણય કર્યો છે. ઐયર ગુરુવારે એક ઇન્જેક્શન લેશે તે પછી એનસીએનો સ્ટાફ અકાદમીમાં તેના રહેવાની અવધિ પર નિર્ણય કરશે.

નોંધનીય છે કે ભારતે ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર યોજાનારી ડબ્લ્યૂટીસી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. જો ઐયર સર્જરી કરાવે છે તો તેને ઓછામાં ઓછા છ મહિના માટે ક્રિકેટથી દૂર થઇ જવું પડે તેમ હતું અને ઐયર ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પસંદગી માટે પોતાની જાતને ઉપલબ્ધ રાખવા માંગે છે. એક રિપોર્ટ અનુસાર ઐયરે એનસીએના અધિકારીઓ અને તજજ્ઞ ડોક્ટર્સની મુલાકાત લઇ લીધી છે. ઓપરેશન સ્થગિત કરવાના મામલે તમામ એકમત છે. તેઓ તજજ્ઞની સલાહ પર અમલ કરશે.

ઐયરની હાજરી કેકેઆર માટે મહત્ત્વપૂર્ણ : પંડિત

કોલકાતા નાઇટ રાઇડર્સ(કેકેઆર)ના કેપ્ટન ઐયર હાલમાં આ સમસ્યાના કારણે આઈપીએલની પ્રારંભિક તબક્કાની મેચીસમાં ભાગ લઇ શકશે નહીં. જો કે કેકેઆરના કોચ ચંદ્રકાંત પંડિતને આશા છે કે તે આ ટૂર્નામેન્ટમાં કોઇને કોઇ ભૂમિકા જરૂર ભજવશે. તેણે મંગળવારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે શ્રેયસની ગેરહાજરી ખૂબ પ્રભાવ પાડશે કેમ કે તે એક મહત્ત્વપૂર્ણ ખેલાડી છે.


  • Follow us on: