- ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરને લઈને નવું અપડેટ સામે આવ્યું
- શ્રેયસ અય્યરની લંડનમાં પીઠની સફળતાપૂર્વક સર્જરી પૂરી થઈ ગઈ છે
- હાલ શ્રેયસ અય્યર માટે જૂનમાં યોજાનારી WTC ફાઇનલમાં રમવું શક્ય નથી
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરની પીઠની ઈજાને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. શ્રેયસ અય્યરે લંડનમાં પીઠની સફળતાપૂર્વક સર્જરી કરાવી છે. અય્યરને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. અય્યર માટે જૂનમાં યોજાનારી WTC ફાઇનલમાં રમવું શક્ય નથી. જો કે આ વર્ષે ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ સુધી ઐયર સંપૂર્ણ રીતે ફિટ રહી શકે છે.

અય્યર લાંબા સમયથી પીઠની ઈજાથી પરેશાન છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં અય્યરની ઈજા ખૂબ જ ગંભીર બની હતી અને તે ચોથી ટેસ્ટની છેલ્લી ઈનિંગમાં પણ બેટિંગ કરી શક્યો નહોતો. આ પછી, અય્યરને ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ અય્યરની સર્જરી ગુરુવારે કરવામાં આવી હતી. અય્યરને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે અને ત્યારબાદ તેઓ ભારત પરત ફરશે. જોકે, અય્યરે આગામી કેટલાક મહિનાઓ સુધી આરામ કરવો પડશે.

અય્યર ચોથા નંબર પર રમે છે
અય્યર ત્રણ મહિનાના આરામ પછી જ પોતાની ટ્રેનિંગ શરૂ કરી શકે છે. અય્યરને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ચારથી પાંચ મહિનાનો સમય લાગશે. અય્યર વર્લ્ડ કપ સુધી ફિટ રહે તેવી પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઐયર ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો અય્યર નહીં રમે તો ભારતે ચોથા નંબર માટે નવો બેટ્સમેન શોધવો પડશે. તાજેતરની વનડે શ્રેણીમાં ભારતે અય્યરના સ્થાને સૂર્યકુમારને અજમાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની આ દાવ ફ્લોપ સાબિત થઈ.