- ભારતના શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજનો જલવો
- બંને ખેલાડીઓ પોતપોતાના વિભાગમાં પહેલા સ્થાને
- ગિલ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને બન્યો નંબર 1
ICCએ બુધવાર 8 નવેમ્બરના રોજ પુરૂષોની રેન્કિંગનું અપડેટ બહાર પાડ્યું અને તેમાં ભારતના શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજનો જલવો જોવા મળ્યો હતો. આ બંને ખેલાડીઓ પોતપોતાના વિભાગમાં રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. ગિલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને બેટ્સમેનોની ODI રેન્કિંગમાં એક સ્થાન ઉપરથી બીજા સ્થાને ખસેડ્યો અને પોતે પ્રથમ સ્થાને પહોંચી ગયો હતો. આ સાથે જ મોહમ્મદ સિરાજે બે સ્થાનનો ફાયદો ઉઠાવીને બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોપ-10 બેટ્સમેનોમાં સામેલ છે. વિરાટ કોહલી ચોથા નંબર પર છે. જ્યારે રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે.
પહેલા સ્થાન માટે શુભમન ગિલ અને બાબર આઝમ વચ્ચે માત્ર 2 પોઈન્ટનો તફાવત હતો પરંતુ હવે ભારતીય બેટ્સમેને 830 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર કબજો જમાવ્યો છે જ્યારે બાબરના 824 પોઈન્ટ છે. શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજના ICC રેન્કિંગમાં નંબર 1 બનવાથી ભારતીય ચાહકો પણ ઘણા ખુશ છે અને ટ્વિટર પર શ્રેણીબદ્ધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
શુભમન ગિલનો ટોપ પર કબજો
પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ODI ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન હતો પરંતુ હવે શુભમન ગિલ ટોપ પર કબજો કરી લીધો છે. શુભમન ગિલ ICC રેન્કિંગમાં ટોચ પર રહેનાર ચોથો ભારતીય બેટ્સમેન છે. સચિન તેંડુલકર ODI રેન્કિંગમાં ટોચ પર રહેનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતો. આ પછી પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજો બેટ્સમેન બન્યો. સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે જ સમયે, હવે શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં ટોચનો બેટ્સમેન બની ગયો છે.