• શુભમન ગિલ વનડેમાં જોરદાર ધૂમ મચાવી રહ્યા છે
  • ગિલ હાલમાં ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે
  • બાબર આઝમ 857 રેટિંગ સાથે ટોપના સ્થાને છે

સ્ટાર ભારતીય ઓપનર શુભમન ગિલ વનડેમાં જોરદાર ધૂમ મચાવી રહ્યો છે. એશિયા કપમાં તેમણે પાકિસ્તાન સામેની મેચમાં અડધી સદી અને પછી બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ગિલ હાલમાં ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે. હવે તેમની પાસે નંબર વન બનવાની સુવર્ણ તક છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વનડે સીરીઝ રમશે અને આ સીરીઝ દ્વારા ગિલ નંબર વન વનડે બેટ્સમેન બની શકે છે.

વનડેમાં નંબર વન બેટ્સમેન બની શકે છે ગીલ

જો ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં 200ની નજીક રન બનાવી લે છે તો તે વનડેમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. હાલમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ICC ODI રેન્કિંગમાં 857 રેટિંગ સાથે ટોપના સ્થાને છે. જ્યારે ગિલ 814 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સારું પ્રદર્શન ગિલને નંબર વન વનડે બેટ્સમેન બનાવી શકે છે.

છેલ્લી પાંચ ઇનિંગ્સમાં 1 સદી અને 2 અડધી સદી

જો આપણે ગિલની છેલ્લી પાંચ વનડે ઇનિંગ્સ પર નજર કરીએ તો તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. છેલ્લી પાંચ ઇનિંગ્સમાં તેમણે બે અડધી સદી અને એક સદી ફટકારી છે. ગિલ પાંચમાંથી બે ઇનિંગ્સમાં અણનમ રહ્યા છે. તેમણે નેપાળ અને પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી હતી, જ્યારે બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ગિલે છેલ્લી પાંચ વનડે ઇનિંગ્સમાં અનુક્રમે 67*, 58, 19, 121 અને 27* રન બનાવ્યા છે.

ગિલ ત્રણેય ફોર્મેટ રમે છે

ગિલ તે ભારતીય બેટ્સમેનોમાંનો એક છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તે 18 ટેસ્ટ, 33 વનડે અને 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 966 રન, વનડેમાં 1739 રન અને T20 ઈન્ટરનેશનલમાં 304 રન બનાવ્યા છે. તેણે ત્રણેય ફોર્મેટમાં પોતાના બેટથી સદી ફટકારી છે. ગિલે જાન્યુઆરી 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

  • Follow us on: