- સ્મૃતિ મંધાનાએ T20 ઈન્ટરનેશનલમાં 3000 રન પૂર્ણ કર્યા
- 3000 રન પૂર્ણ કરનાર વિશ્વની છઠ્ઠી અને ભારતની બીજી ખેલાડી
- સ્મૃતિ મંધાનાએ 2013માં બાંગ્લાદેશ સામે T20I ડેબ્યૂ કર્યું
સ્મૃતિ મંધાનાએ T20 ઈન્ટરનેશનલમાં 3000 રનનો આંકડો પાર કરી લીધો છે. મંધાના T20 ઇન્ટરનેશનલમાં 3 હજાર રનનો આંકડો પાર કરનાર એકંદરે છઠ્ઠી અને ભારતની બીજી ખેલાડી બની છે. મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં 3 હજારનો આંકડો પાર કર્યો હતો. મંધાના પહેલા માત્ર ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા ક્રિકેટમાં આ આંકડો પાર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં મંધાનાએ લક્ષ્યનો પીછો કરતી વખતે 52 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ફોર અને 1 સિકસર ફટકારી હતી. તેણે ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટીમ ઈન્ડિયા આ મેચ 9 વિકેટે જીતી
DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી પ્રથમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફોબી લિચફિલ્ડે ટીમ માટે 49 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 17.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી જીત મેળવી હતી. ભારત માટે શેફાલી વર્માએ 44 બોલમાં 6 ફોર અને 3 સિકસરની મદદથી 64 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય સ્મૃતિ મંધાનાએ 52 બોલમાં 7 ફોર અને 1 સિકસરની મદદથી 54 રનની ઇનિંગ રમી હતી.
126 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી
મંધાનાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 126 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચોની 122 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 27.49ની એવરેજ અને 122.08ની સ્ટ્રાઇક રેટથી 3052 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 23 ફિફટી ફટકારી છે. આ મહિલા ભારતીય બેટ્સમેને 2013માં બાંગ્લાદેશ સામે T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. મંધાના એ ખેલાડીઓમાંથી એક છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે.