- ટેમ્બા બાવુમાની ટીમ વિજયની હેટ્રિક નોંધાવવા આતુર
- ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડુસૈન તથા એડન માર્કરામે તમામને પ્રભાવિત કર્યા
- લખનઉ ખાતે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો
વિશ્વકપમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહેલી સાઉથ આફ્રિકન ટીમ હરીફ ટીમોને ચેતવણીનો સંકેત આપી દીધો છે અને મંગળવારે નેધરલેન્ડ્સ સામે એકતરફી અંદાજમાં વિજય હાંસલ કરીને તે પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. છેલ્લી બે મેચમાં આફ્રિકન ટીમે પોતેને ચોકર્સના ટેગને હટાવવાના ઇરાદા સાથે વર્લ્ડ કપમાં રમી રહી છે તે દર્શાવી આપ્યું છે. દિલ્હીમાં પ્રથમ મેચમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે 428 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યા બાદ 102 રનથી વિજય હાંસલ કર્યો હતો. ત્યારબાદ લખનઉ ખાતે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી રમાશે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો પોતાની ક્ષમતાને અનુસાર રમી રહી નથી તો બીજી તરફ સાઉથ આફ્રિકાએ રમતના તમામ પાસાંમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે. વિકેટકીપર ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડુસૈન તથા એડન માર્કરામે તમામને પ્રભાવિત કર્યા છે. શ્રીલંકન ટીમ સામે આફ્રિકન બોલર્સ વધારે ઘાતક બન્યા નહોતા પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમને વળતો પ્રહાર કરીને ફોર્મ હાંસલ કરી લીધું હતું. ડી કોકે સતત બીજી સદી ફટકારી હતી અને માર્કો જાનસેન તથા કાગિસો રબાડાએ ચુસ્ત સ્પેલ નાખ્યા હતા. આફ્રિકન ટીમે આ મુકાબલો 177 રનના માર્જિનથી જીત્યો હતો. નેધરલેન્ડ્સ સામે પણ ટેમ્બા બાવુમાની ટીમ મોટા માર્જિનથી વિજય હાંસલ કરવાના તમામ પ્રયાસ કરશે. નેધરલેન્ડ્સ અપસેટ સર્જે તેવી ઓછી સંભાવના છે. 2009ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સની ટીમે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. સ્કોટ એડવર્ડ્સની ટીમ દિલ્હી ખાતે રવિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાને મેળવેલા વિજયથી પ્રેરણા લઈ શકે છે.










