• જોઇ રુટે નેટ પ્રેક્ટિસમાં ડાબોડી બેટિંગ કરી અનઓર્થોડોક્સ શોટ્સ રમ્યા

  • પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી જેના કારણે તે બોલિંગ કરી શક્યો નહોતો
  • મેચના દિવસે તેની સ્થિતિ કેવી છે તેના ઉપર લીચને રમાડવાનો નિર્ણય લેવાશે

ઇંગ્લેન્ડનો સૌથી અનુભવી સ્પિનર જેક લીગ વિશાખાપટ્ટનમ ખાતે શુક્રવારથી ભારત સામે રમાનારી બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જાય તેવી સંભાવના છે. તેને હૈદરાબાદ ખાતેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી જેના કારણે તે લાંબો સમય બોલિંગ કરી શક્યો નહોતો. લીચે બુધવારે ઇંગ્લેન્ડની ટીમના પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો નહોતો અને તેને ફિઝિયોએ ટ્રિટમેન્ટ આપી હતી. જેક લીચની ઈજા અંગે ઓપનર જેક ક્રોવલીએ જણાવ્યું હતું કે લીચ એક મજબૂત ખેલાડી છે તેથી બીજી ટેસ્ટમાં તે રમશે કે નહીં તેની મને ખબર નથી. મેચના દિવસે તેની સ્થિતિ કેવી છે તેના ઉપર લીચને રમાડવાનો નિર્ણય લેવાશે. લીચને તમે ક્યારેય નજરઅંદાજ કરી શકતા નથી.

હૈદરાબાદ ટેસ્ટના પ્રથમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે લીચને ઘૂંટણમાં ઈજા થઈ હતી અને બુધવારે પ્રેક્ટિસ સેશનમાં તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. લીચની ગેરહાજરીમાં યુવા સ્પિનર શોએબ બસીરને ટેસ્ટ કેપ આપવામાં આવી શકે છે. ક્રોવલીને વિશ્વાસ છે કે જો બશીરને તક આપવામાં આવશે તો તે સારો દેખાવ કરશે.

સિનિયર બેટ્સમેન જોઇ રુટે નેટ્સમાં ડાબોડી બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિના ભાગરૂપે ખેલાડીઓને અનઓર્થોડોક્સ સ્ટાઇલમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે. રુટે છેલ્લા કેટલાક વર્ષમાં રિવર્સ સ્કૂપનો ઘણો ઉપયોગ કર્યો છે અને હૈદરાબાદ ટેસ્ટમાં પણ તેણે કેટલીક રિવર્સ સ્વીપ રમી હતી. નોંધનીય છે કે 2022ના પાકિસ્તાન પ્રવાસમાં જાહિદ મહેમૂદની લેગ સ્પિનર બોલિંગનો મુકાબલો કરવા માટે રુટે ડાબોડી બેટિંગ કરી હતી.


  • Follow us on: