- બીજા ક્રમે રહેલી સંજુ સેમસનની ટીમ રાજસ્થાન વિજય માટે ફેવરિટ રહેશે
- દિલ્હીના સુકાની રિષભ પંત અને જેક ફ્રેઝર મેકગુર્ક ઉપર તમામ બાબતોનો મદાર રહેશે.
- દિલ્હીના બેટ્સમેનોને પણ રાજસ્થાનના બોલર્સ સામે સંઘર્ષ કરવો પડશે.
આઇપીએલ 2024ની પ્લે ઓફ રેસમાં જીવંત રહેવા માટે દિલ્હી કેપિટલ્સે મંગળવારે કોઈ પણ હાલતમાં શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમને હરાવવી પડશે. દિલ્હીના સુકાની રિષભ પંત અને જેક ફ્રેઝર મેકગુર્ક ઉપર તમામ બાબતોનો મદાર રહેશે. દિલ્હી 11 મેચમાં પાંચ જીતી છે અને છમાં પરાજય થયો છે. બાકીની ત્રણેય મેચ કોઈ પણ ભોગે જીતવી પડશે અને ત્યારબાદ પણ 16 પોઇન્ટ હોવા છતાં અન્ય ટીમોના પરિણામ ઉપર મદાર રાખવો પડશે. કોલકાતા અને રાજસ્થાનના 16-16 પોઇન્ટ છે અને લખનઉની ટીમ 16 પોઇન્ટ પાર કરી શકે છે. સપાટ પિચ પણ પંત માટે બીજા પડકાર સમાન રહેશે. રાજસ્થાનના બેટ્સમેનો ફોર્મમાં હોવાથી દિલ્હીના બોલર્સે ક્ષમતા કરતાં વધારે સારો દેખાવ કરવો પડશે.
ઇશાન્ત શર્મા, ખલીલ, કુલદીપ જેવા બોલર્સ રાજસ્થાનના જયસ્વાલ, સેમસન અને રિયાન પરાગને સસ્તામાં આઉટ કરી શકે છે પરંતુ 60 મીટરની બાઉન્ડ્રી સૌથી મોટી સમસ્યા છે. પંત ત્રણ અડધી સદી વડે 380 રન બનાવી ચૂક્યો છે અને તેની પાસે ઓસ્ટ્રેલિયાનો ફ્રેઝર છે જે પોતાની ક્ષમતાના આધારે મેચનું પરિણામ બદલી શકે છે. દિલ્હીના બેટ્સમેનોને પણ રાજસ્થાનના બોલર્સ સામે સંઘર્ષ કરવો પડશે. ચહલ અને અશ્વિનને રમવા આસાન રહેતા નથી. બંને ટીમ છેલ્લે જયપુરમાં આમનેસામને થઈ હતી જેમાં દિલ્હીનો પરાજય થયો હતો.










