ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂં થઇ રહી છે. પ્રથમ મુકાબલો 19 સપ્ટેમ્બરથી ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. તેને લઇને બન્ને ટીમ તૈયારીમાં લાગી ગઇ છે.
મંગળવારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને બુધવારે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગંભીરે સંકેત આપ્યો હતો કે ધ્રુવ જુરેલ અને સરફરાઝ જેવા યુવાન ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ માટે પસંદ કરવામાં આવે તેવી સંભાવના નથી. ગંભીરે મીડિયાને જણાવ્યું હતું કે આ બન્નેએ ટેસ્ટ ટીમમાં રમવા માટે થોડી પ્રતીક્ષા કરવી પડશે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે રમતની સૌથી શ્રોષ્ઠ શૈલી એ જ છે કે જેમાં ટીમને જીતવામાં મદદ મળે છે. આ સાથે ગંભીરે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેઓ બાંગ્લાદેશ સામેની સિરીઝમાં ખેલાડીઓને અતિ આત્મવિશ્વાસથી બચાવશે. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનને હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે અને એવામાં ભારતીય ખેલાડીઓ તેમને હલકામાં લેવાનો પ્રયાસ નહીં કરે.
ચેપોકમાં ભારત 15 ટેસ્ટ જીત્યું છે
ચેપોકમાં હજુ સુધીમાં 34 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં ભારતે 15 મેચમાં જીત મેળવી છે, જ્યારે સાત મેચમાં તેનો પરાજય થયો છે. જ્યારે 11 મેચ ડ્રોમાં પરિણમી છે અને એક મેચ ટાઇમાં પરિણમી હતી. આ મેદાન પર પહેલી બેટિંગ કરનારી ટીમે 13 ટેસ્ટમાં જીત મેળવી છે. ભારતીય ટીમે અહીં પોતાની અંતિમ ટેસ્ટ 2021માં ઇગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેની 317 રને જીત થઇ હતી.
રોહિત પાસે 100 સિક્સરનો યુનિક રેકોર્ડ નોંધાવવાની તક
ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના નામે 84 સિક્સર નોંધાયેલી છે અને 100 સિક્સરનો માઇલસ્ટોન પાર કરવા માટે તેને વધુ 16 લોંગ શોટ્સની જરૂર છે. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં રોહિત આ રેકોર્ડ નોંધાવી શકે છે. જો તે બે ટેસ્ટની શ્રેણીમાં 100 સિક્સર પૂરી કરશે તો વિશ્વ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવશે. રોહિત વન-ડે અને ટી20 ઇન્ટરનેશનલમાં આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે. આ ઉપરાંત તે ટેસ્ટમાં 100 છગ્ગા પૂરા કરનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની શકે છે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 131 સિક્સર સાથે મોખરાના સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ 107 છગ્ગા સાથે બીજા અને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ 100 સિક્સર સાથે ત્રીજા ક્રમે છે. ચાલુ વર્ષે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલે બે બેવડી સદી સાથે 700 પ્લસ રન નોંધાવ્યા હતા. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2023-25ની સાઇકલમાં હાઇએસ્ટ રન નોંધાવનાર બેટ્સમેન બની શકે છે. જયસ્વાલના નામે રેકોર્ડ નોંધાવવા માટે 132 રનની જરૂર છે.
મેક્કુલમના 10 વર્ષ જૂનો રેકોર્ડ જયસ્વાલનો ટાર્ગેટ રહેશે
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતના ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલ પાસે એક યુનિક રેકોર્ડ તોડવાની તક રહેશે. તે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ડાબોડી ઓપનર બ્રેન્ડન મેક્કુલમનો રેકોર્ડ તોડી શકે છે. મેક્કુલમનો રેકોર્ડ તોડવા માટે જયસ્વાલને વધુ આઠ સિક્સરની જરૂર છે. મેક્કુલમે 2014ની સિઝનમાં ટેસ્ટ ફોર્મેટમાં કુલ 33 સિક્સર ફટકારી હતી. જયસ્વાલે 2024માં અત્યાર સુધી 26 સિક્સર્સ પોતાના નામે નોંધાવેલી છે. આ યાદીમાં ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ 26 સિક્સર સાથે ત્રીજા ક્રમે છે અને તેણે 2022માં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.
કોહલી પાસે સચિન અને દ્રવિડની ઇલિટ ક્લબમાં સામેલ થવાની તક
ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરવા માટે આતુર છે. વ્યક્તિગત કારણોસર તેણે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશ સામે ગુરુવાર 19મી સપ્ટેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી તેના માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ શ્રેણીમાં તે કેટલાક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોહલીના નામે 113 ટેસ્ટમાં 8848 રન નોંધાયેલા છે. તેની પાસે ટેસ્ટમાં નવ હજાર રન પૂરા કરવાની તક છે. માત્ર ત્રણ બેટ્સમેન સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર તથા રાહુલ દ્રવિડ ભારત તરફથી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. તેને નવ હજારનો આંકડો પાર કરવા માટે વધુ 152 રનની જરૂર છે. આ મામલે સચિન મોખરાના સ્થાને છે જેણે 200 મેચની 329 ઇનિંગ્સમાં 15921 રન બનાવ્યા હતા. દ્રવિડે 284 ઇનિંગ્સમાં 13265 તથા ગાવસ્કરે 214 ઇનિંગ્સમાં 10122 રન નોંધાવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોહલીના નામે 591 ઇનિંગ્સમાં 26942 રન નોંધાયેલા છે. કોહલીને 27 હજાર રનનો માઇલસ્ટોન પાર કરવા માટે વધુ 58 રનની જરૂર છે.