- વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં 6-2, 2-6, 6-4થી વિજય મેળવ્યો
- કારકિર્દીમાં બીજો ગ્રાન્ડસ્લેમ જીત્યો
- ફાઇનલ મુકાબલામાં ઇટાલીની જાસ્મીન પાઓલિનીને હરાવી હતી
ચેક રિપબ્લિકની બારબોરા ક્રેજસિકોવાએ વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સનો ગ્રાન્ડસ્લેમ જીતી લીધો છે.
તેણે ફાઇનલ મુકાબલામાં ઇટાલીની જાસ્મીન પાઓલિનીને હરાવી હતી. ક્રેજસિકાવો બીજી વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બની છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં 31મી ક્રમાંકિત ક્રેજસિકોવાએ સાતમી ક્રમાંકિત ઇટાલિયન ખેલાડીને એક કલાક 56 મિનિટ સુધી રમાયેલી ફાઇનલમાં 6-2, 2-6, 6-4થી હરાવી હતી. ક્રેજસિકોવાએ આ પહેલાં 2021માં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યો હતો. જાસ્મીનની આ બીજી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ હતી. જો તે ચેમ્પિયન બની હોત તો તેણે ઇતિહાસ રચ્યો હોત કારણ કે અત્યાર સુધી કોઇ ઇટાલિનય ખેલાડી વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સનો ગ્રાન્ડસ્લેમ જીતી શકી નથી. ક્રેજસિકોવાએ સેમિફાઇનલમાં 2022ની વિમ્બલ્ડન ચેમ્પિયન ઇલેના રિબાકિનાને 3-6, 6-3, 6-4થી તથા પાઓલિનીએ ડોના વેકિચને 2-6, 6-4, 7-6 (10-8)ના સ્કોરથી હરાવી હતી. પાઓલિની વર્તમાન સિઝનમાં સતત બીજા ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં રમી હતી. 2016 બાદ કોઇ મહિલા ખેલાડી એક જ સિઝનમાં ફ્રેન્ચ ઓપન તથા વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચી હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો છે. પાઓલિની 2024ના ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ઇગા સ્વિયાતેક સામે હારી ગઇ હતી.










