- જે મેડલ જીતી શક્યા નથી તેમણે નિરાશ થવાની જરૂર નથી, સફળતા જરૂર મળશે
- શ્રીજેશના નેતૃત્વમાં હોકી ટીમ અને રેસલરે ઓટોગ્રાફવાળી ટી-શર્ટ તથા હોકી સ્ટીક ભેટમાં આપી
- રેસલિંગની ફાઇનલમાં પહોંચીને ફોગાટે ઇતિહાસ રચ્યો છે અને પોતાના પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મેડલ અપાવનાર ભારતીય એથ્લેટ્સ સાથે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ વિશેષ મુલાકાત કરી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન તાજેતરમાં જ નિવૃત્તિ લેનાર ભારતીય મેન્સ હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશને કેટલાક રસપ્રદ સવાલો પણ કર્યા હતા. મોદીએ સ્ટાર ગોલકીપરને સવાલ કર્યો હતો કે શું ઓલિમ્પિકમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો ? તેના સંદર્ભમાં શ્રીજેશે જણાવ્યું હતું કે કેટલાક સમયથી હું આ અંગે વિચારણા કરી રહ્યો હતો. મારી ટીમના સાથીઓ પણ મને પૂછી રહ્યા હતા કે ભાઇ ક્યારે હોકી છોડો છો. 2002માં પ્રથમ વખત કેમ્પમાં જોડાયો હતો. 2004માં પ્રથમ ઇન્ટરનેશનલ મુકાબલો રમ્યો હતો. સતત 20 વર્ષથી દેશ માટે રમી રહ્યો હતો અને નિવૃત્તિ માટેના એક સારા પ્લેટફોર્મની શોધમાં હતો. ઓલિમ્પિક શાનદાર પ્લેટફોર્મ છે અને પૂરી દુનિયા ઓલિમ્પિકને પોતાનો ફેસ્ટિવલ માને છે. આના કરતાં વધારે સારી તક મળે તેમ નહોતી તેથી મેં નિવૃત્તિનો નિર્ણય લીધો હતો.
હોકી ટીમને તમારી ખોટ પડશે : મોદી
શ્રીજેશની નિવૃત્તિ અંગે મોદીએ જણાવ્યું હતું કે ટીમને તમારી ખોટ પડશે પરંતુ તેમણે તમને શાનદાર વિદાય આપી છે. બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમને હું અભિનંદન આપું છું. જેટલા ઉત્સાહથી મેં ટીમને વિદાય આપી હતી તેટલા જ ઉત્સાહથી હું ખેલાડીઓને આવકારું પણ છું. નોંધનીય છે કે આ મુલાકાત દરમિયાન શૂટર મનુ ભાકરે મોદીને પિસ્તોલ, રેસલર અમન સહરાવત તથા હોકી ટીમે જર્સી અને હોકી સ્ટિક ભેટમાં આપી હતી. આ જર્સી ઉપર હોકી પ્લેયર્સના ઓટોગ્રાફ હતા.
રેસલર વિનેશ ફોગાટની પ્રશંસા કરી
મોદીએ ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન મહિલા રેસલર વિનેશ ફોગાટની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું હતું કે રેસલિંગની ફાઇનલમાં પહોંચીને ફોગાટે ઇતિહાસ રચ્યો છે અને પોતાના પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. જે ખેલાડીઓ ઓલિમ્પિકમાં મેડલ જીતી શક્યા નથી તેમણે નિરાશ થવાની જરૂર નથી. આ વખતે ભલે તમે મેડલ ચૂકી ગયા હોવ પરંતુ તમારી મહેનત જોઇને મને ખાતરી છે કે તમે ઘણી જલદીથી સફળતા હાંસલ કરશો.