ન્યૂકેસલે 56 વર્ષના લાંબા દુષ્કાળ બાદ જીતેલી ટ્રોફીનો આનંદ ભારે ઉલ્લાસ સાથે ખુલ્લી છત ધરાવતી બસની પરેડ સાથે ઊજવ્યો ત્યારે આ ટ્રોફીને નિહાળવા અને પોતાના માનીતા ફૂટબોલર્સને વધાવવા માટે 1.50 લાખથી વધારે પ્રશંસકો સડકો પર ઊતરી આવ્યા હતાં.
આ ઉજવણી 16 માર્ચના રોજ લિવરપૂલ પર લીગ કપની જીતની પ્રતીક હતી, તે સાથે 70 વર્ષના ઘરેલું કપના દુષ્કાળને પણ ખતમ કરવામાં આવ્યો હતો. પરેડનો માર્ગ સેન્ટ જેમ્સ પાર્ક સ્ટેડિયમથી શરૂં થયો હતો, શહેરના કેન્દ્રમાંથી પસાર થઇને આ પરેડ ટાઉન મૂરમાં સમાપ્ત થઇ હતી. આ સ્થળે ભવ્ય મંચ પર ખેલાડીઓ અને ક્લબના દિગ્ગજોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇંગ્લિશ ફૂટબોલમાં જેની ગણના સૌથી મોટા ફેન બેઝ તરીકે કરવામાં આવે છે તે ન્યુકેસલના ઉત્સાહી પ્રશંસકોએ સમગ્ર શહેરને કાળા અને સફેદ કલરના સમુદ્રમાં તબદીલ કરી દીધું હતું.










