ભારતીય ક્રિકેટ બોર્ડને હજુ કેટલાક લાંબા સમય સુધી નવો સેક્રેટરી મળે તેમ નથી. બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલની બેઠક બુધવારે યોજાશે જેમાં બોર્ડના કામકાજ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ અંગે ચર્ચા થશે પરંતુ તેમાં જય શાહનું સ્થાન લે તેવા નવા સેક્રેટરીનું નોમિનેશન કે નિયુક્તિ અંગેની ચર્ચા એજન્ડામાં નથી.


બેંગ્લોર ખાતે યોજાનારી બોર્ડની 93મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) પહેલાં એપેક્સ કાઉન્સિલની આ છેલ્લી બેઠક યોજાશે. જય શાહની આઇસીસી ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી થયા બાદ નવા સેક્રેટરીની નિમણૂક કરવી હવે જરૂરી બન્યું છે. જોકે જય શાહ આગામી એજીએમ દરમિયાન બોર્ડના સેક્રેટરી તરીકે પોતાની વર્તમાન ભૂમિકા ભજવશે કારણ કે તેમણે પહેલી ડિસેમ્બરથી આઇસીસીમાં પોતાનો નવો હોદ્દો સંભાળવાનો છે. બેઠકના એજન્ડામાં બાઇજૂ વિવાદ પણ સામેલ છે. બોર્ડના આ ભૂતપૂર્વ ટાઇટલ સ્પોન્સર સાથે પેમેન્ટનો વિવાદ છે. આ કંપનીએ છેલ્લા વર્ષના માર્ચમાં બોર્ડ સાથેનો કરાર પૂરો કરી દીધો હતો. કંપનીએ 2022થી 2023ના માર્ચ સુધીનું પેમેન્ટ હજુ કર્યું નથી. આ ઉપરાંત બેંગ્લોરની બહારના વિસ્તારમાં તૈયાર થયેલી નેશનલ ક્રિકેટ એકેડેમીના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા થશે. મુંબઇમાં બીસીસીઆઇના મુખ્ય મથકના બહારના ભાગનું રિનોવેશન કરવા અંગે પણ વાટાઘાટ થાય તેવી સંભાવના છે.


  • Follow us on: