આઇસીસીના મુખ્ય કાર્યકારી જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને અન્ય કોઈ દેશમાં શિફ્ટ કરવાની કોઈ યોજના નથી અને પાકિસ્તાનની યજમાનીમાં રમાનારી આ મેજર ઇવેન્ટ તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ રમાશે. આઇસીસીનું આ નિવેદન બીસીસીઆઇ માટે મોટા ફટકા સમાન છે જે લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ નહીં ખેડવાનું વલણ અપનાવી રહ્યું છે.


2008ના એશિયા કપ બાદ બંને દેશ વચ્ચેના તનાવભર્યા સબંધોના કારણે ભારત પાકિસ્તાનમાં કોઈ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યું નથી. 2012ના ડિસેમ્બરમાં ભારતમાં બંને દેશ વચ્ચે અંતિમ દ્વિપક્ષીય શ્રોણી હતી. ત્યારબાદ બંને ટીમો આઇસીસી ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં આમનેસામને થઈ છે.

જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાનને બદલવાની કોઈ યોજના નથી અને પાકિસ્તાનમાં રમાશે. ચાલુ વર્ષની શરૂઆતમાં બીસીસીઆઇના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી દીધી હતી કે કેન્દ્ર સરકારની મંજૂરી મળશે તો જ ભારતીય ટીમને પાકિસ્તાન રમવા માટે મોકલવામાં આવશે. ભારત સરકાર અમને જે નિર્દેશ આપશે તેનો અમે અમલ કરીશું.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત આઠ ટીમો ભાગ લેશે.


  • Follow us on: