- સેમિફાઇનલમાં પ્રવેશવા ઇંગ્લેન્ડે એક ઓવર બાકી રાખી અથવા ઓછામાં ઓછા 10 રનથી વિજય મેળવવો પડશે
- આ સ્થિતિમાં ઇંગ્લેન્ડના પાવરહિટર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જશે
- આ સ્થિતિમાં ઇંગ્લેન્ડે પોતાનો રનરેટ સુધારવો પડે તેમ છે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે વર્તમાન ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખવા માટે રવિવારે અમેરિકા સામે રમાનારા મુકાબલાને કોઈ પણ ભોગે જીતવો પડે તેમ છે.
આ સ્થિતિમાં ઇંગ્લેન્ડના પાવરહિટર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જશે. ઇંગ્લેન્ડના બેટ્સમેન સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં 164 રનના ટાર્ગેટ ચેઝ કરતી વખતે આક્રમક બેટિંગ કરી શક્યા નહોતા અને પરાજયના કારણે નેટ રનરેટમાં પણ પીછેહઠ થઈ હતી. આ મુકાબલો રાત્રે 8:00 વાગ્યાથી શરૂ થશે.
વેસ્ટ ઇન્ડિઝે અમેરિકા સામે મોટા માર્જિનથી મેળવેલા વિજયના કારણે ગ્રૂપ-2માં સેમિફાઇનલની રેસ રસપ્રદ બની ગઈ છે. આ સ્થિતિમાં ઇંગ્લેન્ડે પોતાનો રનરેટ સુધારવો પડે તેમ છે. સાઉથ આફ્રિકાએ ગ્રૂપમાં પોતાની બંને મેચ જીતી છે અને તે હાલમાં ટોચના ક્રમે છે પરંતુ વિન્ડીઝ અને ઇંગ્લેન્ડના વિજયથી સમીકરણો બદલાઈ શકે છે. ત્રણેય ટીમોમાં વિન્ડીઝનો રનરેટ સૌથી બેસ્ટ છે. કોઈ પણ ટીમ હજુ સુધી સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકી નથી. ઇંગ્લેન્ડે અંતિમ-4મા સ્થાન મેળવવા માટે અમેરિકા સામે ઓછામાં ઓછા 10 રનથી અથવા એક ઓવર બાકી રાખીને વિજય મેળવવો પડશે. જો ઇંગ્લેન્ડ સમીકરણો મુજબ વિજય મેળવશે તો સાઉથ આફ્રિકાની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે વેસ્ટ ઇન્ડિઝ સામે સુપર ઓવરમાં હારે તો પણ તે બહાર થઈ શકે છે. જો સાઉથ આફ્રિકા તેની છેલ્લી મેચ જીતે અને ઇંગ્લેન્ડ અમેરિકા સામે હારી જાય તો વિન્ડીઝ, ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી જેનો રનરેટ સારો હશે તે ગ્રૂપમાં બીજા સ્થાને રહીને સેમિફાઇનલ સુધી પહોંચી જશે. ફિલ સોલ્ટ શાનદાર ફોર્મમાં છે અને ઇંગ્લેન્ડ તેની પાસેથી મોટી અને આક્રમક ઇનિંગની આશા રાખશે. સુકાની જોસ બટલર અને જોની બેરિસ્ટોએ મોટી ઇનિંગ રમવી પડે તેવી સ્થિતિ છે. અમેરિકાની ટીમ ગ્રૂપની બંને મેચો હારી ચૂકી છે અને જો તે સેમિફાઇનલમાં સ્થાન મેળવે તો ચમત્કાર જ ગણાશે.