ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં પોતાના અજેય અભિયાનને આગળ વધાર્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં કોરિયાને 3-1થી હરાવીને સતત ચોથો વિજય હાંસલ કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે પ્રથમ મેચમાં ચીનને 3-0થી, જાપાનને 5-0થી તથા ત્રીજી મેચમાં 2023ની રનર્સ-અપ મલેશિયાને એકતરફી અંદાજમાં 8-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો.
કોરિયા સામેની મેચમાં ભારત માટે અરિજિતસિંહ હુંડલે આઠમી મિનિટે ગોલ કર્યો હતો. સુકાની હરમનપ્રીતસિંહે નવમી તથા 43મી મિનિટે એમ બે ગોલ કર્યા હતા. કોરિયા તરફથી એકમાત્ર ગોલ જિહુન યાંગે 30મી મિનિટે મળેલા પેનલ્ટી કોર્નર ઉપર નોંધાવ્યો હતો. સેમિફાઇનલમાં અગાઉથી પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી ચૂકેલી ભારતીય ટીમ શનિવારે પોતાની અંતિમ લીગ મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમશે. છ ટીમોની આ ટૂર્નામેન્ટ લીગ તબક્કામાં ટોચની ચાર ટીમ શનિવારે રમાનારી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ફાઇનલ મુકાબલો રવિવારે રમાશે. અન્ય એક લીગ મેચમાં મલેશિયાએ જાપાનને ભારે રસાકસી બાદ 5-4થી હરાવીને અંતિમ-4મા સ્થાન મેળવવા માટેનો પોતાનો દાવો જીવંત રાખ્યો હતો. મલેશિયા માટે સૈયદ ચોલાને 12મી તથા 40મી, સુમાંત્રીએ 21મી, સ્યાર્મન મેટે 47મી તથા કમલ અબુ અઝરાઇએ 48મી મિનિટે ગોલ કર્યા હતા.










