- 10મીએ દોહા ડાયમંડ લીગમાં ભાગ લઈ ભારત પરત ફરશે
- નીરજ અને કિશોર જેના 12મીથી શરૂ થનારી ઇવેન્ટમાં ભાગ લેશે: ઇન્ડિયન એથ્લેટિક ફેડરેશનનીરજ
- ચોપરાનું વ્યક્તિગત પ્રદર્શન 89.94 મીટરનું છે જે નેશનલ રેકોર્ડ પણ છે
ઓલિમ્પિક તથા વર્લ્ડ ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા 12મીથી 15મી મે સુધી ભુવનેશ્વર ખાતે યોજાનારા નેશનલ ફેડરેશન કપમાં ભાગ લેશે. તે ત્રણ વર્ષમાં પ્રથમ વખત કોઈ ડોમેસ્ટિક ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. 26 વર્ષીય નીરજ 10મી મેએ દોહા ખાતેની ડાયમંડ લીગ સિરીઝના પ્રથમ તબક્કામાં ભાગ લઈને ભારત પરત આવે તેવી સંભાવના છે. ઇન્ડિયન એથ્લેટિક ફેડરેશને જણાવ્યું હતું કે નીરજ અને કિશોર જેના 12મીથી શરૂ થનારી ઇવેન્ટમાં ભાગ લેશે. ચોપરાના કોચ ક્લાઉસ બાર્ટોનિટ્ઝે પણ આ બાબતને સમર્થન આપ્યું છે. કિશોર જેના પણ દોહા ડાયમંડ લીગમાં ભાગ લેવાનો છે. ચોપરાએ આ પહેલાં છેલ્લે 2021ની 17મી માર્ચે ઘરઆંગણાની ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેણે 87.80 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો હતો અને ત્યારબાદ 2022માં ડાયમંડ લીગ તથા 2023માં વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. ચોપરાનું વ્યક્તિગત પ્રદર્શન 89.94 મીટરનું છે જે નેશનલ રેકોર્ડ પણ છે.










