- બે બાળકો દ્વારા કિવિ બોર્ડે ટીમની અનોખી રીતે જાહેરાત કરાવી
- વિલિયમ્સન છઠ્ઠી વખત કેપ્ટનશિપ કરશે, સાઉથી સાતમો વર્લ્ડ કપ રમશે
- વિલિયમ્સન સુકાની તરીકે છઠ્ઠી વખત ટી20 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ કરશે
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. કેન વિલિયમ્સન ટીમનું નેતૃત્વ કરશે અને તે સુકાની તરીકે છઠ્ઠી વખત ટી20 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ કરશે. કિવિ ટીમમાં ડેવોન કોનવેનું પુનરાવર્તન થયું છે જે ઈજાના કારણે વર્તમાન આઇપીએલમાંથી બહાર થઈ ગયો હતો. કોનવે ચેન્નઇ સુપર કિંગ્સ માટે રમે છે. પેસ બોલર ટિમ સાઉથી અને ટ્રેન્ટ બાઉલ્ટને પણ તક મળી છે. સાઉથી પોતાનો સાતમો ટી20 વર્લ્ડ કપ રમશે. પેસ બોલિંગ ઓલરાઉન્ડર કેયલ જેમિસન તથા ઓલરાઉન્ડર એડમ મિલને ઈજાના કારણે ટીમની બહાર છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અનોખી રીતે ટીમની જાહેરાત કરી હતી. બોર્ડે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બે બાળકો એંગસ અને મટિલ્ટા (ગર્લ) પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને બંનેએ ટીમની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે ગયા વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડ કપ પહેલાં કિવિ પ્લેયર્સની પત્ની અને પરિવારના અન્ય સભ્યોએ ટીમને જાહેર કરી હતી. આ વિશેષ અંદાજમાં વિશ્વભરમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ બોર્ડે આ પ્રકારની યોજના તૈયાર કરવા માટે અન્ય બોર્ડને પણ વિનંતી કરી છે.










