પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર સ્વપ્નિલ કુશાલેના પિતાએ મહારાષ્ટ્ર સરકારે તેમના પુત્રને આપેલી બે કરોડ રૂપિયાના પુરસ્કાર અંગે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે મારો પુત્ર આનાથી વધારે સન્માનનો હકદાર છે. પેરિસ ગેમ્સમાં કુશાલેએ 50 મીટર રાઇફલ-3 પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.
તેના પિતા સુરેશે જણાવ્યું હતું કે મારા પુત્રને પાંચ કરોડ રૂપિયાનો પુરસ્કાર તથા પૂણે બાલેવાડીમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નજીક એક ફ્લેટ મળવો જોઈએ. સુરેશ કુશાલેએ કોલ્હાપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે હરિયાણા સરકાર પોતાના પ્રત્યેક ઓલિમ્પિક મેડલ વિજેતાઓને પાંચ કરોડ રૂપિયા આપે છે. મહારાષ્ટ્ર સરકારની નવી નીતિ મુજબ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતાને બે કરોડ રૂપિયા મળે છે.










