ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી. બીસીસીઆઇની એક બેઠક યોજાઈ હતી જેમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવાના કારણોની તપાસ કરવામાં આવી હતી. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર રહ્યા હતા. એક અહેવાલ મુજબ આ જ બેઠકમાં વધુ એક બાબત પર ચર્ચા થઈ હતી, જે ખેલાડીઓને તેમના પ્રદર્શનના હિસાબે પૈસા આપવા સંદર્ભે હતી. એટલે કે હવે જેવું પર્ફોમન્સ હશે પૈસા પણ તેવા હશે. આ રિપોર્ટ અનુસાર વિચારણામાં ખેલાડીઓ તેમની રમત અને ખાસ કરીને રેડ બોલ ક્રિકેટ માટે વધુ જવાબદાર બની શકે અને તે ટીમમાં પોતાની ભૂમિકા વધુ જવાબદારીપૂર્વક નિભાવી શકે છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.


પૈસે કે બદલે પર્ફોમન્સ તો બનતા હૈ!

રિપોર્ટ અનુસાર, જે ખેલાડીઓ ટીમમાં પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી શકતો નથી,જો તેઓ પર્ફોમન્સ આપતા નથી, તો તેમને મળતા નાણાંને તે મુજબ ઘટાડવા જોઈએ. કોઈપણ ઓફિસમાં કર્મચારીઓ સાથે આવું જ થાય છે.સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, જો કોઈ ખેલાડીનું પ્રદર્શન અપેક્ષા મુજબ ન હોય તો તેની અસર તેની કમાણી પર પણ પડે છે. ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને લખ્યું કે આ એક સૂચન છે જે ખેલાડીઓને વધુ જવાબદાર બનાવશે. જો તેઓ તેમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જશે તો તેમને મળનારી રકમ પણ ઓછી હશે.

સ્ટાર ક્રિકેટર્સને પણ સમાન નિયમ થશે લાગુ?

આ રિપોર્ટ મુજબ પરફોર્મન્સ આધારિત આવક BCCI દ્વારા ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ તરફ આકર્ષવા માટે ગત વર્ષે રજૂ કરવામાં આવેલી પ્રોત્સાહન પ્રણાલી જેવી જ હોઈ શકે છે. જો કોઈ ખેલાડી સિઝનની 50 ટકા ટેસ્ટમાંથી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થાય છે, તો તેને મેચ દીઠ 30 લાખ રૂપિયાનું પ્રોત્સાહન મળશે. જો કોઈ ખેલાડી સિઝનની 75 ટકા મેચોની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થાય તો આ ઈન્સેન્ટિવ 45 લાખ રૂપિયા હશે.

ખેલાડીઓના કપાશે પૈસા?

ભારતીય ખેલાડીઓને હાલમાં દરેક ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. આ સિવાય સારા પ્રદર્શન માટે તેમને અલગથી પૈસા પણ મળે છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરનું સૂચન પર્ફોમન્સ પ્રમાણે સમાન નાણાંમાં ઘટાડા અંગેનું છે કે મેચ ફી અંગેનું છે અને ખેલાડીઓના તે પ્રમાણે પૈસા કપાશે તે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ, એ વાત નક્કી છે કે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 1-3થી હારનો આઘાત લાગ્યો છે, ત્યારે જ પ્રદર્શન આધારિત આવકનો મુદ્દો સામે આવ્યો છે.

BCCI હાલ આકરા પાણીએ

બીસીસીઆઇ ભારતના ખરાબ પ્રદર્શનને કારણે હાલમાં આકરા પાણીએ છે. ત્યારે વિદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓના પરિવારના સાથે રહેવા પર સખ્તાઈ વર્તી છે. જો 45 દિવસથી વધુનો પ્રવાસ હોય તો માત્ર 14 દિવસ સાથે રહી શકશે અને 45 દિવસથી ઓકચો હોય તો 7 દિવસ સાથે રહી શકશે. વીઆઇપી બોક્સ કે ટીમ બસમાં ખેલાડીઓ સિવાય અન્ય કોઈને પ્રવેશ મળશે નહીં. ઉપરાંત સપોર્ટ સ્ટાફનો પણ નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો છે. આમ આ જોતાં ક્રિકેટર્સની ચુકવણીમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. 

  • Follow us on: