ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શુક્રવારે રમાયેલી મેચ નાટયાત્મક બની રહી હતી. આ મેચમાં ગુજરાતનો સુકાની શુભમન ગિલ અમ્પાયર સાથે દલીલબાજીમાં ચર્ચાનો કેન્દ્ર રહ્યો હતો. આ કારણથી તેને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
મેચમાં ગિલ અમ્પાયર સાથે બે વખત ઉગ્ર દલીલબાજીમાં ઉતર્યો હતો. મેચની 13મી ઓવરના અંતે ગિલ 38 બોલમાં 76 રનની ઇનિંગ રમીને રનઆઉટ થયો હતો. રિવ્યૂમાં તેનું આઉટ થવું સ્પષ્ટ દેખાતું નહોતું. ત્રીજા અમ્પાયરે પણ લાંબા સમય સુધી વિવિધ એન્ગલથી રિપ્લે નિહાળ્યા હતા પરંતુ સ્ટમ્પમાં બોલ પહેલો વાગ્યો હતો કે વિકેટકીપર ક્લાસેનનું ગ્લોવ્ઝ પહેલાં વાગ્યું હતું તે ક્લિયર દેખાતું નહોતું. થર્ડ અમ્પાયર બેટ્સમેનને શંકાનો લાભ આપ્યા વિના આઉટ જાહેર કર્યો હતો. ટીમના ડગઆઉટ તરફ જતી વખતે ગિલ ફોર્થ અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરતો નજરે પડયો હતો.










