• વર્લ્ડકપ 2023નો ટાઈમ આઉટનો વિવાદ ફરી શરૂ થયો
  • સીરિઝ જીતી શ્રીલંકાના ખેલાડીઓએ આપ્યો અનોખો પોઝ
  • ICC વર્લ્ડકપ 2023ના ટાઈમ આઉટ વિવાદની યાદ અપાવી

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પણ હાઈવોલ્ટેજ બનવા લાગી છે. જે રીતે કરોડો ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોતા હોય છે, હવે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ માટે પણ કંઈક આવું જ થવા લાગ્યું છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ટાઇમ આઉટ વિવાદ સમાચારમાં હતો. આ દરમિયાન શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યુસ ટાઇમ આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. આ બાબતને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે આ મામલો શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી T20 સીરીઝ દરમિયાન ફરી જન્મ લીધો છે. શ્રીલંકાની ટીમે 3 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ જીતીને બાંગ્લાદેશને છંછેડ્યું છે.

વર્લ્ડકપ ટાઈમ આઉટનો વિવાદ ફરી શરૂ થયો

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સીરિઝ રમાઈ હતી. આ સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 9 માર્ચે રમાઈ હતી. આ જીત સાથે શ્રીલંકાની ટીમે ન માત્ર મેચ જીતી પરંતુ સિરીઝ પર 2-1થી કબજો પણ કર્યો. સિરીઝ જીત્યા બાદ શ્રીલંકાના તમામ ખેલાડીઓ બાંગ્લાદેશને ચીડવતા જોવા મળ્યા હતા. ખેલાડીઓએ ફોટોશૂટ દરમિયાન ખાસ પોઝ આપીને બાંગ્લાદેશને ચીડવ્યું હતું. જેના કારણે સોશિયલ મીડિયા પર ફરી વાતાવરણ ગરમાયું છે. આ પોઝ આપીને શ્રીલંકાએ બાંગ્લાદેશને ICC વર્લ્ડકપ 2023ના ટાઈમ આઉટ વિવાદની યાદ અપાવી છે. વર્લ્ડકપ દરમિયાન એન્જેલો મેથ્યુસને મોડા મેદાનમાં પહોંચવા બદલ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. હવે શ્રીલંકાએ આ વિવાદને ફરી ચગાવવાનો પ્રયાસ કર્યો છે.

શ્રીલંકાના ખેલાડીઓએ આપ્યો અનોખો પોઝ

તમને જણાવી દઈએ કે સીરિઝ જીત્યા બાદ જ્યારે શ્રીલંકાના તમામ ખેલાડીઓ ફોટોશૂટ કરાવી રહ્યા હતા ત્યારે આ દરમિયાન તમામ ખેલાડીઓએ એક હાથથી બીજા હાથના કાંડા તરફ ઈશારો કર્યો હતો. શ્રીલંકાના ખેલાડીઓ બાંગ્લાદેશને સમયનો સંકેત આપી રહ્યા હતા. ખેલાડીઓએ આ પોઝ આપતા જ ​​શ્રીલંકાના હજારો ફેન્સે એકસાથે નારા લગાવવા લાગ્યા. ફેન્સ ખેલાડીઓના સમર્થનમાં આવ્યા અને બાંગ્લાદેશને ચીડવવા લાગ્યા. જેના કારણે સોશિયલ મીડિયા પર ફરી વાતાવરણ ગરમાયું છે. એવું નથી કે વર્લ્ડકપ પછી આ બંને ટીમો વચ્ચે એકબીજા પ્રત્યે આટલી કટ્ટરતા પેદા થઈ ગઈ છે. વર્લ્ડકપ પહેલા પણ જ્યારે પણ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ થતી હતી, ત્યારે પણ હાઈવોલ્ટેજની મુકાબલો જોવા મળ્યો હતો.

કેવો રહ્યો મેચનો રોમાંચ?

3 T20 મેચની સિરીઝની છેલ્લી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 174 રન બનાવી શકી હતી. કુસલ મેન્ડિસે 55 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 6 સિક્સર પણ ફટકારી હતી. જવાબમાં બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 28 રનથી મેચ હારી ગઈ હતી. આ જીતની સાથે જ શ્રીલંકાએ આ સીરિઝ પણ 2-1થી કબજે કરી લીધી છે.

  • Follow us on: