- સ્ટીવ સ્મિથે બિગ બેશ લીગમાં ધમાકેદાર સદી ફટકારી
- સ્મિથે 56 બોલમાં સદી ફટકારી, T20 કારકિર્દીની પ્રથમ સદી
- BBLમાં સિક્સર્સ માટે સદી ફટકારનાર પ્રથમ પુરૂષ ક્રિકેટર બન્યો
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું બેટ હાલમાં બિગ બેશ લીગમાં જોરદાર ચાલી રહ્યું છે. સ્મિથે 56 બોલમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. T20માં જમણા હાથના અનુભવી બેટ્સમેનની આ પ્રથમ સદી છે જ્યારે BBLમાં સિડની સિક્સર્સ ટીમ તરફથી આ કોઈપણ બેટ્સમેનની પ્રથમ સદી છે.
BBLમાં સ્ટીવ સ્મિથની સદી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો વિરાટ કોહલી માટે લગભગ અશક્ય છે. સ્મિથ હાલમાં ઓસ્ટ્રેલિયાની T20 બિગ બેશ લીગમાં રમી રહ્યો છે. સિડની સિક્સર્સ તરફથી રમતા સ્મિથે એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરતાં 56 બોલમાં સદી ફટકારી હતી. સ્મિથની ધમાકેદાર સદીના આધારે સિડની સિક્સર્સે પહાડી સ્કોર બનાવ્યો હતો.

સ્મિથે-પેટરસનની મજબુત ભાગીદારી
એડિલેડ સ્ટ્રાઈકર્સના કેપ્ટન ટ્રેવિસ હેડે ટોસ જીતીને સિડની સિક્સર્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોશ ફિલિપ અને સ્ટીવ સ્મિથ સિડની સિક્સર્સ માટે ઓપનિંગમાં ઉતર્યા હતા. જોશ ફિલિપ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને મેચની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સ્મિથને કુર્ટિસ પેટરસનનો સપોર્ટ મળ્યો. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 149 રનની ભાગીદારી કરીને ટીમને મોટા સ્કોર તરફ લઈ ગયા હતા.
સ્ટીવ સ્મિથે 56 બોલમાં સદી ફટકારી
પેટરસન 33 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સ્મિથે 56 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 101 રનની ઇનિંગ રમી હતી. સ્મિથની T20 કારકિર્દીની આ પ્રથમ સદી છે. આ સિવાય સિડની સિક્સર્સ તરફથી કોઈપણ બેટ્સમેન માટે BBLમાં આ પ્રથમ સદી છે. વિરાટ કોહલી સ્મિથનો આ રેકોર્ડ તોડી શકે તેમ નથી કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ તેના ખેલાડીઓને વિદેશી લીગમાં રમવા દેતું નથી. આવી સ્થિતિમાં કોહલી માટે આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે.

સિડની સિક્સર્સે 5 વિકેટે 203 રન બનાવ્યા
સ્મિથની ધમાકેદાર સદીની મદદથી સિડની સિક્સર્સે 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં હેડની આગેવાની હેઠળની ટીમ સામે 204 રનનો ટાર્ગેટ છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્મિથ અત્યારે શાનદાર લયમાં છે. તેણે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે ટેસ્ટ મેચોમાં બ્રેડમેનના 29 સદીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો.









