• ભારત સામે સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત
  • સાઉથ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ
  • ભારત તરફથી સૂર્યા અને રિંકુ સિંહે ફિફ્ટી ફટકારી

સાઉથ આફ્રિકામાં ત્રણ મેચની T20 સિરીઝ રમવા આવેલી ભારતીય ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આફ્રિકન ટીમે 7 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાને અહીં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર બાદ સૂર્યાનું નિવેદન

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, 'મને લાગે છે કે અમે આ મેચ-વિનિંગ સ્કોર બનાવ્યો હતો પરંતુ તેઓએ પાવર પ્લેમાં શાનદાર બેટિંગ કરી અને મેચ અમારાથી છીનવી લીધી હતી. બીજી ઇનિંગ્સમાં બોલ ભીનો હોવાથી અહીં બોલિંગ કરવી થોડી મુશ્કેલ હતી. અમારે ભવિષ્યમાં પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, તેથી આ અમારા માટે એક પાઠ છે. હવે અમે ત્રીજી T20માં સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું.

ટીમ ઈન્ડિયાના ગેમ પ્લાન પર શું કહ્યું?

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતી વિકેટ વહેલી પડી ગયા બાદ પણ જોરશોરથી બેટિંગ ચાલુ રાખી હતી. આ સાથે જોડાયેલા એક સવાલ પર સૂર્યાએ કહ્યું, 'અમે આ પ્રકારની ક્રિકેટ બ્રાન્ડ વિશે વાત કરીએ છીએ. દરેક ખેલાડી મેદાન પર જઇને પોતાની જાતને સાબિત કરવાનો પ્રયાસ કરે છે. દરમિયાન સૂર્યાએ ડ્રેસિંગ રૂમના વાતાવરણ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, 'અમારા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ઉત્સાહથી ભરપૂર છે. મેં મારા ખેલાડીઓને કહ્યું છે કે મેદાન પર જે પણ થાય તેને મેદાન પર છોડી દો.'

સૂર્યા અને રિંકુની ફિફ્ટી એળે ગઈ

આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ 6 રનમાં તેના બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવી દીધા હતા. પરંતુ સૂર્યકુમાર યાદવ (56) અને રિંકુ સિંહ (68)ની વિસ્ફોટક ઇનિંગ્સે ભારતનો સ્કોર 180ના સ્કોર સુધી પહોંચાડ્યો હતો. જોકે, સાઉથ આફ્રિકાના લગભગ તમામ બેટ્સમેનોએ ટૂંકી અને ઝડપી ઈનિંગ્સ રમીને ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમે ભારત સામે 5 વિકેટે જીત મેળવી હતી.

  • Follow us on: